કચ્છ: સરહદી જિલ્લા તરીકે ઓળખાતા કચ્છ જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે અનેક ઘણો વિકાસ થયો છે. તેમાં જો ખરીદીની વાત આવે ત્યારે જિલ્લાના અનેક તાલુકામાં કચ્છી વસ્તુઓની ખરીદી થઈ શકે છે. પરંતુ સૌથી વધારે ખરીદી ક્યાંય થતી હોય તો તે અંજાર તાલુકામાં આવેલા ખત્રી બજારમાં થાય છે. આ બજાર પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. અંજારની આ બજારમાં દેશ-વિદેશથી આવતા પર્યટકોને ખાસ કચ્છની ઓળખસમી અવનવી વેરાયટીઓ મળી રહે છે.
અંજારમાં આવેલ ખત્રી બજાર
ખત્રી બજારમાં 55 વર્ષથી વેપારી તરીકે જોડાયેલા અને કચ્છી પ્રિન્ટમાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવેલ ઇસ્માઇલભાઈ ખત્રી લોકલ 18 સાથે વાત કરતા જણાવે છે કે, ઐતિહાસિક શહેર અંજાર કચ્છી વસ્તુઓ માટે જાણીતું છે. ભૂકંપ બાદ તેનો ખૂબ વિકાસ થયો છે. પ્રવાસીઓ જ્યારે અહીંના યાત્રાધામોની મુલાકાતે આવે છે ત્યારે ખત્રી બજારની ચોક્કસથી મુલાકાત લે છે. વિભિન્ન ડિઝાઇનની બાંધણી સાડીઓ, દુપટ્ટા, ચણિયાચોળી તેમજ કચ્છ સંસ્કૃતિની ઝલક આપતી વિવિધ વસ્તુઓ અહીં ઉપલબ્ધ છે.
300 થી 400 વર્ષ જૂની કચ્છી પ્રિન્ટમાં વેરાયટી
ખત્રી બજારની વાત કરીએ તો, આ બજારમાં ચાદર, ડ્રેસ મટીરીયલ, શાલ, લૂંગી સહિતની ચીજવસ્તુઓ મળે છે. જેમાં કચ્છી પ્રિન્ટ જોવા મળે છે. બ્લોક પ્રિન્ટ, વેજિટેબલ પ્રિન્ટ, બંધ બાંધણી, બાંધણી, કચ્છ પ્રિન્ટ બનાવટની માંગ વધુ છે. અહીંની અજરક બાટિક લેવા માટે દેશ વિદેશના ગ્રાહકો આવે છે. આ કલા 200 થી 500 વર્ષ જૂની છે. આ સિવાય કલમકારી પ્રિન્ટ, કોમ્પ્યુટર પ્રિન્ટ, લખનવી પ્રિન્ટ, પેચવર્ક, ખાટલી વર્ક આકર્ષણ છે. કચ્છી બાંધણી પણ 300 થી 400 વર્ષ જૂની છે.
કચ્છી પ્રિન્ટની વસ્તુઓની કિંમત
400 રૂપિયાથી 25,000 ની કિંમત સુધી કચ્છી પ્રિન્ટની સાડીઓ મળે છે. આ સિવાય ચાદરમાં રૂપિયા 300 થી 1500 રૂપિયા સુધી મળે છે. કચ્છી દુપટ્ટાની કિંમત 100 થી શરૂ થઈ 2500 રૂપિયા સુધીની વેરાયટી જોવા મળે છે. કચ્છી પ્રિન્ટમાં લૂંગી આવે છે. જેની કિંમત 100 થી 150 રૂપિયા સુધીની છે. 200 થી 300 ની કિંમતના ગાઉન મળે છે. જેમાં કચ્છી પ્રિન્ટ જોવા મળે છે.
ટુરિસ્ટ સેન્ટર તરીકે ઐતિહાસિક શહેર અંજાર
ઇસ્માઇલ ભાઈ જણાવે છે કે, કચ્છ સિવાય અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, પટના, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, કેરેલા, કોલકાતા સહિતના વિભિન્ન સ્થળોએ અહીંના કારીગરોનું કામ પહોંચે છે. હાલમાં જ્યારે કચ્છમાં રણોત્સવની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કચ્છી મટીરીયલની ખરીદી માટે જિલ્લાના અંજાર તાલુકાની મુલાકાત અચૂકપણે લે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર