અમદાવાદ: રાજ્ય ભરમાં GST વિભાગ દ્વારા અલગ અલગ વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. ત્યારે પાર્ટી પ્લોટ, મંડપ, શણગાર અને કેટરીંગ સેવાઓ પૂરી પાડતા વેપારીઓને ત્યાં કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યભરમાં 67 સ્થળોએ સર્ચની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આ કાર્યવાહીને પગલે 5 કરોડથી વધુની કરચોરી પકડાઈ છે.
ગુજરાત સ્ટેટ જી.એસ.ટી. વિભાગે B2C સેક્ટરમાં થતી કરચોરીને અટકાવવાના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિઝનેસ ટુ કસ્ટમર મારફતે માલ અને સેવાઓના પુરવઠાને લગતા વ્યવહારોને છુપાવતા કરદાતાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. આ દિશામાં સતત લેવાતા પગલાના ભાગરૂપે 18મી ડિસેમ્બરના રોજ પાર્ટી પ્લોટ ભાડે આપનાર તેમજ મંડપ, શણગાર અને કેટરીંગ સેવાઓ પૂરી પાડવા સાથે સંકળાયેલા પર જેટલા કરદાતાઓને આવરી લેતા 67 સ્થળોએ સર્ચની કામગીરી હાથ ધરાઈ હતી.
આ પણ વાંચો:
સુરત: ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા હડકંપ મચી ઉઠ્યો, પોલીસ પણ દોડતી થઈ ગઈ
ગુજરાતના અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ખેડા, નડિયાદ અને વડોદરા વગેરે શહેરોમાં હાથ ધરવામાં આવેલા આ રાજ્યવ્યાપી સર્ચ ઓપરેશનમાં ગેરરીતિઓ બહાર આવી છે. પ્રારંભિક મૂલ્યાંકન મુજબ અંદાજે રૂ. 24.89 કરોડના બિનહિસાબી વ્યવહારો સાથે આશરે રૂ. 5.42 કરોડની કરચોરી સામે આવી છે. ગુજરાત સ્ટેટ જી.એસ.ટી. વિભાગ સરકારની તિજોરીને નુકસાન પહોંચાડતા તત્વો તેમજ લોકો કરચોરી નહિ કરી કાયદાનું પાલન કરતા થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે લગ્નસરાની મોસમ નાનામાં નાની ચીજોનું વેચાણ થતું હોય છે. જેમાં મોટાભાગે બિલ વગર જ સોદાઓ થતાં હોય છે. જેના પગલે હાલમાં જ રાજ્યમાં બિલ વગર માલસામાન વેચાણ કરીને અને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડતા વેડિંગ ગાર્મેન્ટ્સના સપ્લાયર્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વેડિંગ ગાર્મેન્ટ્સના B2C સપ્લાયર્સ પર કાર્યવાહી મામલામાં વેડિંગ ગાર્મેન્ટ્સના સપ્લાયર્સ પાસેથી રૂપિયા 6.70 કરોડની કરચોરી ઝડપાઈ હતી. અને હવે મંડપ ડેકોરેશન, કેટરિંગ સર્વિસ સહિત પાર્ટી પ્લોટ ભાડે આપવામાં જે આર્થિક વ્યવહારો થતાં હોય છે તેના પર વોચ રાખવામાં આવી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર