કચ્છ: કાઠડા ગામના દરિયા કિનારે આવેલા વિજય વિલાસ પેલેસ સામાન્ય પ્રવાસીઓની સાથે ફિલ્મ નિર્માતાઓને પણ આકર્ષિત કરતું રહ્યું છે. આ પેલેસ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાથી માંડવી, 60 કિલોમીટરના અંતરે આવેલું છે. માંડવીથી 8 કિલોમીટરના અંતરે વિજય વિલાસ પેલેસ આવેલો છે, જે એક રજવાડી મહેલ છે. સુંદર દરિયા કિનારા પર ભવ્યતાના પ્રતિક સમાન વિજય વિલાસ પેલેસ કચ્છ જિલ્લાની શાન ગણાય છે. આ પેલેસ મહારાવ વિજયરાજજી એ ઈ.સ. 1929માં બનાવેલ છે. આ જ મહારાવ દ્વારા બનેલ એક બીજું પેલેસ એટલે ભુજમાં આવેલ રણજીત વિલાસ છે.
વિજય વિલાસ પેલેસનું ભવ્ય બાંધકામ
વિજય વિલાસ પેલેસ વિશે સૌ કોઈ થોડા ઘણા અંશે જાણતા હશે. પરંતુ, આ પેલેસથી જોડાયેલી અમુક એવી વાતો કે જેનાથી ઘણા લોકો અજાણ પણ હશે. જેથી આજે આપણે કચ્છના ઇતિહાસકાર પ્રમોદભાઈ જેઠી પાસેથી જાણીશું. ઇતિહાસકાર પ્રમોદભાઈ જેઠીના જણાવ્યાનુસાર, એક સમયે તો ઓશો રજનીશ પણ આ મહેલ પર મોહિત થયા હતા અને પોતાનો આશ્રમ અહીં સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. જોકે પ્રજાના વિરોધના કારણે આવો કોઈ આશ્રમ ત્યારબાદ કચ્છમાં સ્થપાઈ શક્યો ન હતો. આ મહેલના નિર્માણ માટે ઈ. સ. 1920માં ખાસ જયપુરથી કારીગરો બોલાવાયા હતા, જેના કારણે આ મહેલના બાંધકામમાં તમે રાજપૂત સ્થાપત્ય શૈલીની ઝલક જોઈ શકશો.
વિજય વિલાસ પેલેસનું આકર્ષણ
મહારાવ વિજયરાજજીએ વિજય વિલાસ મહેલ હવા ખાવા માટે બનાવ્યું હતું. જ્યારે કચ્છમાં ગરમી આવે ત્યારે મહારાવ આ પેલેસમાં દરિયા કિનારાની ઠંડક માણવા આવતા. દરિયા કિનારાને કારણે અહીં હંમેશા હવા ઉજાસ રહે છે. મહત્વનું છે કે, વિજય વિલાસ પેલેસની અનેક ખાસિયત છે, જેને કારણે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. આ પેલેસ લાલ રેતાળ પથ્થરોથી બનેલો છે. મહેલમાં એક મુખ્ય ગુંબજ, બંગાળી ગુંબજો, ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ છે. છત પરના ઝરુખામાંથી આસપાસનો વિસ્તાર જોઈ શકાય છે. અહીં રંગબેરંગી બારીઓ, દરબાજાઓ અને પ્રવેશદ્વારની રચના પણ અદ્ભુત છે.
વિજય વિલાસ પેલેસ કોણ લેવા માંગતા હતા?
કોઈ પણ આ મહેલથી આકર્ષાઈ જાય તે બિલકુલ શક્ય છે. એક પ્રચલિત નામ એટલે ઓશો રજનીશ છે. તે કચ્છના વિજય વિલાસ મહેલથી આકર્ષાઈ તેને ખરીદવા માંગતા હતા. પરંતુ, તે સમયે માંડવીના લોકોએ રજનીશની વિરુદ્ધમાં ઝુંબેશ ઉપાડી અને આ સોદો કેન્સલ થયો હતો. લોકોનું માનવું હતું કે, ઓશો રજનીશ જો અહીં આવશે તો, અનેક રીતે તકલીફ પડશે. જેથી માંડવીના લોકોની સહમતી ન હોવાથી તે સમયે ઓશો રજનીશને આ પેલેસ આપવામાં આવ્યો ન હતો.
શા માટે આ સોદો થયો કેન્સલ?
હિન્દી ફિલ્મ જગતના તે સમયના લોકપ્રિય કલાકાર હતા અને તે દરમિયાન ઓશોથી પ્રભાવિત થયા હતા તેવા ફિલ્મી જગતના સ્ટાર વિનોદ ખન્ના પણ કચ્છના વિજય વિલાસ પેલેસને લેવા માંગતા હતા. ઓશો રજનીશના સેક્રેટરી સાથે તેઓ પણ અહીં આવ્યા હતા. વાતચીત અને સોદો પણ થઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ મહારાવે પણ લોકોની વાત સ્વીકારી અને સોદો કેન્સલ થયો. એટલે તે પણ શક્ય બન્યું ન હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર