- રેફરલ હોસ્પિટલના સત્તાધીશો 10 દિવસથી બંધ પ્લાન્ટ રિપેર ન કરાવી શકતા રોષ
- પાણીની વ્યવસ્થા માટે ઓપરેટરને જાણ કરાઇ છે
- લોકોને પીવા માટે પાણીની વધારે જરુર પડતી હોય છે
ધાનેરા રેફરલ હોસ્પિટલમાં રોજને 300 કરતાં વધારે દર્દીઓ આવતા ભારે ઘસારો રહેતો હોય છે. અને બીજી તરફ્ ઉનાળો હોવાથી લોકોને પીવા માટે પાણીની વધારે જરુર પડતી હોય છે ત્યારે આ હોસ્પિટલમાં પાણીની સુવિધા ન હોવાથી આવનાર દર્દીઓ અને સ્ટાફ્ પાણી વગર ભારે મુશ્કેલી ભોગવી રહ્યો છે.
ધાનેરાની રેફ્રલ હોસ્પિટલ બે વખત પુરમાં ક્ષતિગ્રસ્ત થતાં મોટા ભાગની મશીનરી અને સામાન નષ્ટ થવા પામ્યો હતો. અને તેમાં પીવાના પાણી માટે દાતાઓ દ્વારા રેફ્રલ હોસ્પિટલ ખાતે આવતાં 300 કરતાં પણ વધારે દર્દીઓ અને સ્ટાફને પીવાના પાણી માટે આર.ઓ. લગાવાયો હતો. તે પણ છેલ્લા 10 દિવસથી બંધ થતાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થવા પામી છે. ઉનાળા સમયે દર્દીઓ, સગાઓને પાણી માટે રઝળવું પડે છે.
આ બાબતે દર્દી કાનજીભાઇ પરમારે જણાવેલ કે અમારી દીકરીને ડિલિવરી હોવાથી અમે રાત્રે ડિલિવરી માટે આવ્યા હતા અને તે વખતે પાણીની જરૂર પડતા અમે બહાર ફર્યા હતા પરંતુ પાણી ના મળતાં નર્સિંગ બેન દ્વારા પોતાના માટે લાવેલ પાણીની બોટલ અમને અપાઈ હતી.