- કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ
- કોલીથડ, હડમતાળા, પાટિયાળીમાં કમોસમી વરસાદ
- સૌરાષ્ટ્રના અનેક ગામોમાં માવઠથી કૃષિ પેદાશોને નુકસાન
આજે મંગળવારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગોંડલ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડ (APMC)માં રાખેલો ધાણા, ડુંગરી, ઘઉં, મરચાનો માલ પલળી ગયો હતો.
APMCમાં ખુલ્લામાં પડ્યો હતો માલ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રવિ પાકની નવી આવકો થઈ રહી છે. આસપાસના ગામોમાંથી ખેડૂતો ઘઉં, ધાણા, મરચાં સહિતના પાકો લઈને આવતા હોય છે. આવક વધી જવાથી ઘણો માલ શેડની બહાર પડ્યો હતો. સંજના સમયે અચાનક જ માવાથી પડવાથી ખુલ્લામાં પડેલો માલ પલળી ગયો હતો.
ગોંડલ આસપાસના વિસ્તારોમાં માવઠું
મંગળવારે સાંજના સમયે ગોંડલ શહેર અને તેની આસપાસના ગામોમાં હવામાન પલટયું હતું અને સાંજના સમયે કમોસમી વરસાદ પડ્યો હતો. ગોંડલ શહેર તથા આસપાસના કોલીથડ, હડમતાળા, પાટિયાળી, ઉમવાળા, બેટવાડ સાહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્રના અનેક ગામોમાં માવઠું પડ્યું
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે ચોથા દિવસે પણ ખરાબ હવામાનના પગલે કમોસમી વરસાદ પડ્યો હતો. આજે બપોર બાદ અમરેલી, ભાવનગર, મોરબી, જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદને લઈને આ પંથકના ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.