- ધાનેરા પંથકમાં સિંચાઈ વિભાગ સામે સ્થાનિકોના ભ્રષ્ટાચારના આક્ષેપોથી ચકચાર
- બે-ચાર દિવસ કામગીરી કરી ગાયબ થનારા કોન્ટ્રાક્ટરનું બિલ ન ચૂકવવા ઉગ્ર માગણી
- ગ્રામજનોએ રોષ ઠાલવી બિલની ચૂકવણી ન કરવા માંગ ઊઠી
ધાનેરા પંથકમાં સિંચાઈ વિભાગ દ્વારા લોકફાળો ઉઘરાવી ઊંડા કરતાં તળાવના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યાં છે. જેમાં પહેલાંથી ઊંડા તળાવોને કાગળ પર બતાવી કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયાની રાવ ઊઠી છે. આ મામલે મલોત્રાના ગ્રામજનોએ રોષ ઠાલવી બિલની ચૂકવણી ન કરવા માંગ ઊઠી છે.
ધાનેરા પંથકના ભૂગર્ભ જળના સ્તર 1200 ફૂટ કરતાં પણ વધારે ઊંડા ઉતર્યા છે. માટે હવે જળ સંગ્રહ કરવું જરૂરી બન્યું છે. અગાઉ બનાસ ડેરી દ્વારા માલોત્રા ગામમાં આવેલા 30 વિઘામાં ફેલાયેલા તળાવને ઊંડુ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં બે દૂધ મંડળીએ રૂ.10 લાખ ડીઝલ પેટે આપ્યા હતા. જે કામગીરી ચાર મહિના સુધી ચાલી હતી. બાદમાં આ તળાવ પર સિંચાઇ વિભાગની નજર પડતાં પશુપાલકો પાસે રૂ.5.40 લાખનો લોકફાળો ઉઘરાવી બેથી ચાર દિવસ મશીનરીનો ઉપયોગ કરી કોન્ટ્રાકટર ગાયબ થઈ જતાં બિલની ચૂકવણી ન કરવા માંગ ઊઠી છે.