- શોર્ટ સર્કિટથી આગ લાગવાનું અનુમાન
- પ્લાસ્ટિકના સ્ક્રેપમાં આગ લાગ્યા બાદ વધુ ફેલાઇ
- આગ પર કાબુ મેળવવા કામગીરી હાથ ધરાઇ
રાજ્યમાં ફરી એક વાર આગની મોટી ઘટના સામે આવી રહી છે. જેમાં પંચમહાલના ગોધરા શહેરના ધોળાકુવા પાસે સ્ક્રેપ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ગોધરા શહેરના ધોળાકુવા વિસ્તારમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બનતા ત્રણ ફાયર ફાઇટર ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા છે.
આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, ઉદય પટેલ નામના વ્યક્તિની પ્લાસ્ટિક ફેક્ટરી છે. જેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડ દ્વારા જણાવા મળ્યું છે. જ્યાં ગોડાઉનમાં સ્ક્રેપ પ્લાસ્ટિક હોવાનું માલિકે જણાવ્યું હતું. આગ વધુ વિકરાળ હોવાથી આગને કાબૂમાં કરવા ફાયર ફાઇટર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
તેમજ હાલમાં આગ આસપાસના ગોડાઉનમાં પ્રસરી છે. સૌ પ્રથમ પ્લાસ્ટિકના સ્ક્રેપમાં આગ લાગી ત્યારબાદ પ્લાસ્ટિકના ગોડાઉનમા આગ પ્રસરી હોવાની વિગતો સામે આવી રહી છે. હાલ ગોધરા ફાયર વિભાગની ટીમ તેમજ આસપાસ ના શહેરો માંથી ફાયરની ટીમ બોલાવવામાં આવી છે.
દીવાલ તોડીને પાણીનો મારો કરવામાં આવ્યો
ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિકનો જથ્થો રહેલો હોવાથી આગ સતત પ્રગટ્યા કરતી હતી, જેને લઇને ચાર જેટલા ફાયર બ્રિગેડના વોટર બ્રાઉઝર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે આગ કાબૂમાં આવી ન હતી. આ ઉપરાંત JCB મશીન દ્વારા ગોડાઉનની દીવાલો તોડીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.
આસપાસના વિસ્તારમાંથી પણ મદદ લેવામાં આવી
એટલું જ નહીં આગ વધુ વિકરાળ બનતાં નજીકના ડીમાર્ટ દ્વારા પોતાની ફાયર સિસ્ટમ પણ કામે લગાડીને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે આ આગમાં લાખોનો પ્લાસ્ટિક સ્ક્રેપ સ્વાહા થઈ ગયો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. આગની ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. જોકે પોલીસ કુમક પણ તાબડતોબ દોડી આવીને લોકોને આગથી દૂર કરવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા.