- પાઈપ લાઈન નાંખવાની કામગીરી ઝડપી બનાવવા લોકમાગણી
- કેટલાક કોન્ટ્રાક્ટરો કામના કોન્ટ્રાક્ટ મેળવી બેસી ગયા છે
- પાણીથી રાહત મળે તેવા પગલાં ભરવા લોક માગણી ઊઠી છે
કપડવંજના પૂર્વ વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા અને સરપંચોની રજૂઆત અન્વયે સરકારે નવી યોજના દ્વારા પરા વિસ્તારો સુધી વનોડા જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચાડવા માટે નવી પાઈપ લાઈનો અને ગામે ગામ પાણીના નવા સંપ બનાવવાની કરોડો રૂપિયાની યોજના અમલમાં મૂકી છે અને શરૂઆત પણ કરી છે. પરંતુ કેટલાક કોન્ટ્રાક્ટરો કામના કોન્ટ્રાક્ટ મેળવી બેસી ગયા છે. બે મહિના જેટલા વધારે સમયથી સંપ બનાવવાના ખાડા ખોદી મૂક્યા છે. તડકામાં પીવીસી પાઈપોના ઢગ ખડકી દીધાં છે. પણ કામ બંધ હાલતમાં છે. સંપના ખાડામાં કોઈ પશુ કે માણસ પડી જાય તેમ જોખમી છે. તડકામાં પડેલી પાઈપો બગડી રહી છે. બીજી બાજુ ઊનાળાની કાળ ઝાળ ગરમીમાં પાણી વિના માણસ અને ઢોર મુશ્કેલીમાં મૂકાયા છે. સામે પક્ષે સરકારી પૈસાનો વેડફટ અને સરકારી યોજનાઓનો સમયસર અમલ ન થવાથી લોકો સમયસર લાભ લેવાથી વંચીત રહે છે અને લોકોને મદદરૂપ થવાનો સરકારનો હેતુ સિદ્ધ થતો નથી. આ બાબતે સરકારે લાગતા વળગતા અધિકારીઓનું ધ્યાન દોરી આ યોજનાને ઝડપી બનાવી ઉનાળાના દિવસોમાં લોકોને પાણીથી રાહત મળે તેવા પગલાં ભરવા લોક માગણી ઊઠી છે.