પોરબંદર-આદિત્યાણા રોડ પર હીટ એન્ડ રન
અકસ્માત બાદ રિક્ષા ચાલક ફરારઃ બેફામ સ્પીડે વાહન ચલાવતા શખ્સો સામે કડક પગલાં જરૃરી
પોરબંદર : પોરબંદર-આદિત્યાણા રોડ પર બેફામ રીતે રીક્ષા ચલાવતો શખ્શ રોડ ક્રોસ કરી રહેલા વૃધ્ધાને કચડીને નાશી
છૂટયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજા થતા અજાણ્યા વૃધ્ધાનું મોત થયુ છે.
પોરબંદરમાં રહેતા કરશનભાઇ કારાભાઇ ઓડેદરા દ્વારા એવા
પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓ ઘરેથી આદિત્યાણા રોડ પર આવેલા
પેટ્રોલ પંપ પાસે જમવા માટે ગયા હતા. એ દરમિયાન જ્યુબેલી પુલ તરફથી ફૂલસ્પીડે એક
રીક્ષા આવતી હતી અને વૃધ્ધા રોડની સાઇડમાંથી રોડ ક્રોસ કરવા જતા હતા. એ દરમ્યાન
અચાનક જ રીક્ષાચાલકે ૬૦ વર્ષના દેખાતા આ વૃધ્ધાને ઠોકર મારી દીધી હતી.
આથી તેઓ લોહીલુહાણ અને બેભાન બની ગયા હતા. છેલ્લા ચાર પાંચ
દિવસથી આ વિસ્તારમાં તેઓ આંટાફેરા કરતા હતા અને હિન્દી ભાષા બોલતા હતા પરંતુ તેની
ઓળખ કોઇ પાસે થઇ ન હતી.આથી ઇમરજન્સી ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી
અને ૧૦૮ની ટીમે તપાસ કરતા આ વૃધ્ધાનું મોત થયુ હોવાનું જણાવ્યુ હતુ. રીક્ષાના
અજાણ્યા ચાલક સામે ગુન્હો નોંધાવ્યો છે. ત્યારે ઉદ્યોગનગર પોલીસે આગળની તપાસ હાથ
ધરી છે.