આણંદ: વાતાવરણમાં વધતા પોલ્યુશન અને ક્લાઈમેટ ચેન્જ જેવી તકલીફના કારણે આપણા વાતાવરણમાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે ઋતુ જે તે સમયે શરૂ થતી હતી તેમાં ખૂબ જ મોટા મોટા બદલાવ જોવા મળી રહ્યા છે. દર વર્ષે નવેમ્બર એટલે કે, દિવાળી બાદ મોટાભાગે ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. જેમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી નીચે આવી જતું હોય છે. જેના કારણે આ સિઝનમાં રવિ પાકની વાવણી કરવામાં આવતી હોય છે. જોકે આ વર્ષે નવેમ્બર મહિના બાદ પણ તાપમાન 35 ડિગ્રીની જગ્યાએ 37 થી 38 ડિગ્રી જેટલું જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિમાં રવિ પાકનું વાવેતર કરવા પર ખેડૂતોને નુકસાન થવાની શક્યતા રહેલી છે.
તાપમાનના કારણે પાકમાં વાવેતર મોડું થવાની શક્યતા
આ અંગે કૃષિ હવામાન શાસ્ત્ર વિભાગના ડો. મેહુલ વાસાણીએ જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, આવનાર દિવસોમાં પણ વાવણી યોગ્ય જે સામાન્ય તાપમાન રહેવું જોઈએ તેના કરતાં બે ત્રણ ડિગ્રી વધારે જોવા મળી રહેવાની શક્યતા છે. સામાન્ય રીતે આ સમયે તાપમાન 35 ડિગ્રીથી નીચેની જગ્યાએ 37 થી 38 ડિગ્રી જેટલું જોવા મળી રહ્યું છે. આથી જ રવિ પાક જેવા કે, ઘઉં, બટાકા, ચણા વગેરેનું આ સમયે વાવેતર ન કરવું જોઈએ. તાપમાનના કારણે આ બધા જ પાકમાં વાવેતર મોડું થવાની શક્યતા રહેલી છે.
પાકના ઉગવામાં તકલીફ ઊભી થવાની શક્યતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઘઉંનું વાવેતર 15 નવેમ્બર પછી થતું હોય છે. જોકે તાપમાન અનુકૂળ હોય તો, વહેલા પણ વાવણી કરવામાં આવતી હોય છે. આવી જ રીતના ચણા, બટાકા વગેરેનું વાવેતર આ સમયે કરવામાં આવતું હોય છે. જોકે તાપમાનમાં એક કે બે ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળે તો આ બધાનું વાવેતર અત્યારે કરવા માટે અનુકૂળ છે. હાલના તાપમાનમાં જો વાવેતર કરવામાં આવે તો પાકના ઉગવામાં તકલીફ ઊભી થવાની શક્યતા છે. મોંઘા ભાવે ખેડૂતો દ્વારા બિયારણ લેવામાં આવતું હોય છે. જેમાંથી બરાબર ઉગાવો ન મળતા તેમને નિરાશાજનક પરિણામ મળી શકે છે. જોકે, અમુક પાક જેવા કે રાઈનું વાવેતર કરી શકાય છે કારણ કે આ પાકને તાપમાનની વધારે અસર જોવા મળતી નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દિવાળી બાદ જનરલી તાપમાન નીચું જતું હોય છે. જોકે ઉત્તર ભારતમાં આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓછા છે. જેના કારણે જેની સીધી અથવા તો આડી અસર મધ્ય અને ઉત્તર ભારતને થતી હોય છે. આ વખતે ઉત્તર ભારતમાં હિમવર્ષા પણ ઓછી અને મોડી શરૂ થઈ છે. જેના કારણે પણ ગુજરાત અને રાજસ્થાનમાં તાપમાન વધુ જોવા મળી રહ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર