ગાંધીનગર: ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરે છે, ત્યાં સાયબર ક્રાઇમના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં તાજેતરમાં આઈપીએસ ધર્મેન્દ્ર શર્મા દ્વારા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના ડેટા બહાર પાડવામાં આવ્યા, જેમાં એક મહિના દરમિયાન 11,600થી વધુ સાયબર ગુનાઓની ફરિયાદો નોંધાઈ છે.
લોન એપ્લિકેશન અને બુકિંગ ફ્રોડના 500 કેસ નોંધાયા
આંકડાઓ મુજબ, ફેક આઇડેન્ટિટી ફ્રોડના 2,200 કેસ, કાર્ડ ફ્રોડના 1,100થી વધુ, ઓનલાઈન શોપિંગ ફ્રોડના 1,100, અને રોકાણ ફ્રોડના 1,000થી વધુ કેસ નોંધાયા છે. તાજેતરના દિવસોમાં લોન એપ્લિકેશન અને બુકિંગ ફ્રોડના 500 જેટલા કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચો:
સુરત રેલવે સ્ટેશનમાંથી બહાર નીકળો તો આવા લોકોથી સાવધાન રહેજો, લૂંટનો ટાર્ગેટ તમે પણ બની શકો
છેલ્લા દિવસોની એક વિશેષ ઘટના
થોડા દિવસો પહેલા એક મહિલા વોટ્સએપ હેકિંગનો શિકાર બની હતી. સાયબર ગેંગે વોટ્સએપ હેક કરીને તેમના મિત્રો પાસેથી પૈસા માગ્યા. આ ગેંગમાં ત્રણ લોકો હતા, જેઓએ મધ્યપ્રદેશ બોર્ડર પરથી પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. તેઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું વિશ્લેષણ કરીને, ભોગ બનનારની વિગતો ભેગી કરતા હતા. આ કેસમાં આરોપીઓને પકડવા માટે ચારથી પાંચ દિવસની મહેનત બાદ, પોલીસે આ ગેંગને ઝડપી પાડી હતી. આરોપીઓએ અત્યાર સુધીમાં 100થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી કરી છે અને તેમના વિરુદ્ધ અગાઉ પણ ચાર ગુનાઓ નોંધાયા છે.
લોકોને સાવચેતી રાખવાની અપીલ
આઈપીએસ ધર્મેન્દ્ર શર્માએ લોકોને ખાસ કરીને મહિલાઓને સોશિયલ મીડિયામાં સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને મોબાઈલ નંબરને પ્રાઈવેટ રાખવા અને અજાણી લિન્ક પર ક્લિક ન કરવા જેવા પગલાં લેવા સલાહ આપી છે.
આ પણ વાંચો:
શોકિંગ: બ્લડના ઢગલાબંધ સેમ્પલ રસ્તા પર રઝળતા જોવા મળ્યા, બારડોલીમાંથી મળ્યો મોટો જથ્થો
સાઇબર ગુનાઓના સામાન્ય પ્રકાર
ડિજિટલ ફ્રોડના કેસોમાં ફેક આઇડેન્ટિટી, ક્રેડિટ કાર્ડ ફ્રોડ, ઓનલાઈન શોપિંગ, બુકિંગ, અને કસ્ટમર કેર ફ્રોડ સામાન્ય બની રહ્યા છે. KYC ફ્રોડ અને ફેક લિન્ક દ્વારા ગુનાઓ કરતા આરોપીઓ ચતુરાઈથી લોકોની મહેનતની કમાણી લૂંટે છે.
સરકારની કામગીરી
સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે ઓક્ટોબર મહિનામાં નોંધાયેલા 11,600 કેસોમાંથી અનેક કેસોમાં ઝડપી કાર્યવાહી કરી છે. આઈપીએસ ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે સાયબર ક્રિમિનલ્સ સામે રાજ્ય વ્યાપક મિશન સાથે લડત ચાલી રહી છે. લોકોને તેમના ડિજિટલ જીવનમાં વધુ સાવચેત રહેવું જરૂરી છે, કારણ કે સાયબર ગુનાઓના આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે ડિજિટલ સુરક્ષા હવે એક મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર