- 20 લાખના ખર્ચે ફરીથી છતનાં પતરાં નાખવામાં આવશે
- ચોમાસામાં પોલ ન ખુલે તે માટે 20 લાખનું આંધણ કરાશે!!!
- સફેદ હાથી પુરવાર થઈ રહેલો ટાઉન હોલ : ખાતર પર દિવેલ જેવી સ્થિતિ
બાયડના વારેણા રોડ પર નવા બનેલા ટાઉન હોલના છતનાં પતરાં સડી ગયા હોવાનો ખુલાસો થતાં શહેરીજનોમાં ભુકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. પાલિકાની ગત કારોબારીમાં છતનાં પતરાં બદલવાનું કામ 20 લાખ રૂપિયાના ખર્ચે સોંપવામાં આવ્યુ ત્યારે આ પોલ ખુલી હતી.
બાયડના વારેણા રોડ પર અંદાજે રૂપિયા આઠેક કરોડના ખર્ચે નવા ટાઉન હોલનુ નિર્માણ થયુ છે. શહેરીજનોમાં ચાલતી ચર્ચાઓ પ્રમાણે લગભગ ત્રણેક માસ અગાઉ ટાઉન હોલનુ નિર્માણ કરનારી એજન્સીએ તત્કાલિન ચીફ ઓફિસર સાવીબેન સોનીને કામ પુર્ણ કરી ટાઉન હોલની ચાવી સોંપી હતી. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ટાઉન હોલના ઉદઘાટન કરવાની ચર્ચાઓ પણ શરુ થઈ હતી.
શહેરીજનોને પણ ટાઉન હોલનુ ક્યારે ઉદઘાટન થાય છે તેની તાલાવેલી જાગી હતી. પરંતુ શહેરીજનોની આ તાલાવેલી પર
ઠંડુ પાણી રેડાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
બાયડ પાલિકાની ગત 12મી ફેબ્રુઆરીના રોજ કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં સુત્રો મુજબ લાખો રૂપિયાના કામો મંજુર કરવામાં આવ્યા હતા. આ કામોને હજુ સામાન્ય સભાની બહાલી મળવાની બાકી છે. પરંતુ કારોબારીમાં ટાઉન હોલની છતનાં પતરાંનુ કામ 20 લાખના ખર્ચે કરવાનો વિવાદાસ્પદ નિર્ણય કરાતા શહેરીજનોમાં ભુકંપ જેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે. કેમ કે ટાઉન હોલના માથે પહેલેથી જ પતરાંની છત છે ત્યારે ફરીથી પતરાં જડવાની નોબત કેમ આવી પડી? તેને લઈને ચર્ચાઓનો દોર શરુ થઈ ગયો છે. કારોબારીએ 14માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી અંદાજે 20 લાખનાં ખર્ચે પતરાં નાખવાનુ કામ લેવડાવ્યુ છે. હજુ તો ટાઉન હોલનુ ઉદઘાટન જ થયુ નથી તો ટાઉન હોલના માથે લાગેલા પતરાં કેવી રીતે નકામા થઈ ગયા? તેવી ચર્ચાઓને લઈને શહેરીજનો પણ માથુ ખંજવાળતા થઈ ગયા છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ટાઉન હોલને ભ્રષ્ટાચારનો એવો તો કયો એરૂ આભડી ગયો છે કે તેના ઉદઘાટનનો અવસર જ આવતો નથી? તેવી શહેરીજનોમાં જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે. શહેરીજનોમાં ચાલી રહેલી ચર્ચાઓ પ્રમાણે છેલ્લા અઢી વર્ષમાં પાલિકા વિસ્તારમાં થયેલા કામોની વિજીલન્સ વિભાગ મારફતે નિષ્પક્ષ તપાસ કરવાની માગણી સાથે લેખીતમાં રજૂઆતો થવાની શક્યતાઓ છે.
આગામી સમયમાં તોળાઈ રહેલી તપાસમાં અનેક મોટા ખુલાસાઓ થવાની શક્યતાઓ હોવાનું શહેરીજનોનું માનવુ છે.
ગામમાં વર્ષો જૂના મકાનોનાં છતનાં પતરાં આજે પણ અકબંધ ત્યારે નવા બનેલા ટાઉન હોલની છતનાં પતરાંને ભ્રષ્ટાચારનો એરુ આભડી ગયો? શહેરીજનોમાં શંકા-કુશંકાઓ સાથે સવાલો ઊઠયા ?
ચોમાસામાં પોલ ન ખુલે તે માટે 20 લાખનું આંધણ કરાશે!!!
શહેરીજનોમાં જોરશોરથી ચાલી રહેલી ચર્ચાઓ પ્રમાણે ટાઉન હોલ પર લગાવેલા છતનાં પતરાં ટુંક જ સમયમાં સડી ગયા હોઈ ચોમાસામાં પોલ ખુલ્લી પડી જાય તેમ છે. ચાલુ વરસાદમાં આખી છત પડીને નીચે આવે અને ટાઉન હોલની અંદર પણ થયેલા કહેવાતા નબળા કામોને લઈને પડે તો મોટો ફજેતો થઈ જાય તેવી શક્યતાઓ શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. બાયડ ગામમાં આવેલા મકાનોના માથે પચાસ-પચાસ વર્ષ જુના પતરાં આજે પણ જેમના તેમ છે ત્યારે ટાઉન હોલની પતરાંની છત વગર ઉદઘાટને કેવી રીતે લાખોનું આંધણ કરી ફરીથી નાંખવાની નોબત આવી છે. તેની વિજીલન્સ વિભાગ મારફતે નિષ્પક્ષ તપાસ કરાવાની શહેરીજનોએ માગણી કરી છે.
ઈન્ચાર્જ ચીફ ઓફિસરે સામાન્ય સભામાં તપાસની ખાતરી આપી હતી
બાયડ પાલિકાના પુર્વ ઈન્ચાર્જ ચીફ ઓફિસર સંજય પંડયાએ ગત સામાન્ય સભામાં ગામ તળાવના વિકાસના કામના પાંચ કરોડથી વધુના ટેન્ડરની માનીતી એજન્સીને લહાણી કર્યાના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરી આગામી સામાન્ય સભામાં જાહેર કરવાની ખાતરી પાલીકાના સભ્યોને આપી હતી. પરંતુ તે અંગે શહેરીજનોની શંકાનુ સમાધાન થાય તેવી નક્કર તપાસ કરવાના બદલે પાલીકાની ગત 12મી ફેબ્રુઆરીએ મળેલી કારોબારી સમિતિએ એજન્સીના જવાબદાર વ્યકિતના બદલે સાબર ડેરીના એક કર્મચારીને નેગોશિયેશન માટે કારોબારી બેઠકમાં બોલાવી કુલડીમાં ગોળ ભાંગ્યો હોવાની ચર્ચાઓ ઉઠી હતી. ત્યારે સામાન્ય સભામાં કારોબારીના મનસ્વી નિર્ણયોને બહાલી ન મળે તેવા સંજોગોમાં ઈન્ચાર્જ ચીફ ઓફિસર સહીતના અધિકારી-કર્મચારી સંભવિત વિજીલન્સ તપાસના સાણસામાં આવવાની પૂરી શક્યતા શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.