- યાર્ડમાં પ્રથમ વખત કેસર કેરીનું આગમન
- ઉના પંથકમાંથી આવી કેસર કેરી
- સિઝનમાં પ્રથમ વાર 200 બોક્સ કેરીની આવક
ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયુ છે. જેમાં યાર્ડમાં પ્રથમ વખત કેસર કેરીનું આગમન થતા કેરી રસિકોમાં આનંદ છવાયો છે. ઉના પંથકમાંથી કેસર કેરી આવી ગઇ છે. સિઝનમાં પ્રથમ વાર 200 બોક્સ કેરીની આવક થઇ છે. જેમાં 10 કિલોના બોક્સનો ભાવ રૂપિયા 1900 થી 3000 સુધી બોલાયો છે.
કેસર કેરીની સિઝનનો એક સપ્તાહ મોડો પ્રારંભ થયો
કેસર કેરીની સિઝનનો એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે. જેમાં ઉના પંથકમાંથી પ્રથમ વખત કેસર કેરીનું માર્કેટ યાર્ડમાં આગમન થયુ છે. વેપારીએ જણાવ્યું હતું કે, ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે. આ વર્ષે પણ સીઝનના શ્રીગણેશ થયા છે ત્યારે 200 બોક્સની અવાક ખૂબ જ સારી કહેવાય. સાથે સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષે કેસર કેરી આવકમાં મોખરે રહ્યું હતું. જેનું મુખ્ય કારણ એ છે કે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી વેપારીઓ અહીં કેસર કેરી ખરીદી કરવા આવે છે. અને ખેડૂતોને પણ પૂરતો ભાવ મળતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી વેચવા માટે પ્રથમ પસંદગી કરતા હોય છે.
આગામી દિવસોમાં કેસર કેરીની આવકમાં વધારો થશે
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કાંટાળા, તલાલા, ઉનાના જસાધાર, બાબરીયા સહિતના પંથકમાંથી ખેડૂતો અહીં કેસર કેરી વેચવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ આગામી દિવસોમાં કેસર કેરીની આવકમાં વધારો થશે. આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન ભલે મોડું થયું પરંતુ કેસર કેરીની આવક વધશે તેવુ લાગી રહ્યું છે.