– સાત કરોડના ખર્ચે એક વર્ષ પહેલા પુલનું નિર્માણ થયું હતું
– મોટી દૂર્ધટના સર્જાય તે પહેલા પુલનું સમારકામ હાથ ધરવા રાહદારીઓની માંગ
સુરેન્દ્રનગર : મુળી તાલુકાના ગોદાવરી ગામને જોડાતા મુખ્ય પુલ ઉપર એક સાઈડ ગાબડું પડી જતા અકસ્માત થવાની ભીતી સેવાઈ રહી છે જે અંગે ગ્રામજનોએ અનેક વખત તંત્રને રજુઆત કરી હોવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલીક પુલ પર રીપેરીંગકામ હાથધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
મુળી તાલુકાના ગોદાવરી ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમ્યાન કોઝવે પર પાણી ફરી વળતા વાહનચાલકો સહિત ગ્રામજનોને મુશ્કેલી પડી રહી હતી અને કોઝવે પર લોકોના ફસાઈ જવાના બનાવો પણ બની રહ્યાં હતા જેને ધ્યાને લઈ અનેક વખત રજુઆતો બાદ કોઝવેની જગ્યાએ અંદાજે એક વર્ષ પહેલા રૂા.૭ કરોડના ખર્ચે પુલ બનાવવામાં આવતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. પરંતુ માત્ર એક વર્ષના ટુંકા ગાળામાં પુલ પર એક તરફના છેડે ગાબડું પડી જતા તેમજ લોખંડના સળીયા બહાર નીકળી જતા પુલની હલકી ગુણવત્તાની કામગીરી સામે આવી છે અને કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ પુલ બિસ્માર બની જતા ગમે ત્યારે ધરાશાયી થવાથી મોટી જાનહાની કે દુધર્ટના થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઈ મોટી દુર્ધટના સર્જાય તે પહેલા પુલનું યોગ્ય રીપેરીંગકામ હાથધરવામાં આવે અને પુલ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી હાથધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.