- શહેર ભાજપ પ્રમુખ સહિત ફોટોસેશન કરતા નજરે પડયા
- નગરપાલિકાના અધિકારી, પદાધિકારી દ્વારા ફોટો સેશન કર્યું
- સફાઈ અભિયાનમાં અન્ય સફાઈકામદારો સફાઈ કરતા જોવા મળ્યા
ભારત સરકાર દ્રારા નિર્મળ ગુજરાત 2.0 અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન ચાલી રહ્યું છે.તેમાં અંકલેશ્વરમાં હોદ્દેદારો ફોટો સેશન કરતા જોવા મળ્યા હતા.નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સ્વરછતા અભિયાનમાં જોડાયા હતા જેમાં શહેર ભાજપ પ્રમુખ સહિત કેટલાક હોદ્દેદારોએ હાથમાં ઝાડુ પકડી ફોટો સેશન કર્યું.
શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરાઈ
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત નગરપાલિકાના અધિકારીઓ તેમજ પદ અધિકારીઓએ શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક સાફ-સફાઈ કરી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહીત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ અધિકારીઓ અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.નગર સેવા સદન દ્વારા અલગ અલગ ત્રણ ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને શહેરને સ્વરછ રાખવાની અપીલ કરવામાં આવી હતી.
સમગ્ર ભારતમાં કરાશે સ્વચ્છતા
ભારત સરકાર દ્વારા વર્ષ 2014માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન 1.0 સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત બની રહ્યુ છે. જેની સફળતાના આધારે, ભારત સરકારે વર્ષ 2026 સુધીમાં તમામ શહેરોને કચરા-મુકત શહેરો બનાવવાના ઉદ્દેશ સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજય સ્વચ્છતા બાબતે હમેશાં અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે. સ્વચ્છતાની આ પ્રવૃતિને વધુ આગળ વધારવા, રાજયના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવા રાજય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 લોન્ચ કરવામાં આવેલ છે.
સ્વચ્છતા પખવાડિયાનું આયોજન
રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, એન્ટ્રી પોઇન્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો પર સ્વચ્છતા સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા અને સ્વચ્છતા પહેલમાં NGO તથા સ્થાનિક સમુદાયોને સામેલ કરવા તેમજ જાહેર સ્થળોએ સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન – ગુજરાત દ્વારા તારીખ 1 જૂન થી તા. 15 જૂન 2024 દરમિયાન નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે.