- તલાટીએ આચારસંહિતાની કામ પૂર્ણ થયાનું ખોટુ પ્રમાણપત્ર આપ્યુ
- હાલોલ ટીડીઓએ નોટિસ આપી ખુલાસો પૂછયો
- 1-દિવસ માં ખુલાસો આપવા નોટિસ આપી
હાલોલ તાલુકાની પાવાગઢ( ચાંપાનેર) ગ્રામ પંચાયતના તલાટીએ આચારસંહિતાની કામગીરી સંપૂર્ણ પૂર્ણ કરેલ હોવા અંગેનું પ્રમાણપત્ર આપ્યુ હતુ. બાદ તા.20.3 ના રોજ પાવાગઢ પંચાયત કચેરીએ આચાર સંહિતા ભંગ થાય તેવા હોડિંગ્સ, બેનર, પોસ્ટર, દિવાલ પરના લખાણ ભીંત ચિત્ર યથાવત જોવા મળ્યા હતા. ત્યારે આ બાબતે ખોટું પ્રમાણપત્ર કયા કારણોસર આપેલ છે. તેનો ખુલાસો દિન -1 માં આપવા તાલુકા વિકાસ અધિકારી હાલોલએ લેખિત નોટિસ આપી ખુલાસો પૂછયો છે.
લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતાનો અમલ શરૂ થતાં તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ્ય વિસ્તરામાં તમામ તલાટી ઓને બેનરો ઉતારી લેવા માટે કામગીરી સોંપી હતી. આચારસંહિતના આદેશને ત્રણ દિવસ થવા છતાં પાવાગઢ ગ્રામ પંચાયતના ભવનની દિવાલ પર રાષ્ટ્રીય પક્ષનું નિશાન અને નામ લખેલ જોવા મળ્યુ હતુ. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને જાણ થતાં તેમજ આ અંગે અખબારી અહેવાલો પ્રકાશિત થતા તાલુકા વિકાસ અધિકારી હાલોલ એ પાવાગઢના તલાટીને તમોએ આચારસંહિતાના અમલની કામગીરી અંગે ખોટું પ્રમાણપત્ર કયા કારણોસર આપેલ છે. તેનો લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે.