- મહીસાગર જિલ્લામાં વધુ 5 મકાનની દીવાલ ધરાશાયી
- વિરપુરના ગ્રામ્ય વિસ્તારોમાં મકાનો અને વૃક્ષો ધરાશાયી
- 5 ગામોમાં મકાન ધરાશાયી તો 45 જેટલા વૃક્ષો તૂટ્યા
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. કડાણા તાલુકાના દીવડા, ડીંટવાસ, સરસવા, અને ગોધર સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. મહીસાગર જિલ્લામાં ખાનપુર, લુણાવાડા, બાલાસિનોર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. તેમજ હજી મહીસાગર જિલ્લામાં સારો વરસાદ વરસે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.
5 ગામોમાં મકાન ધરાશાયી તો 45 જેટલા વૃક્ષો તૂટ્યા
મહીસાગર જિલ્લા સહિત તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને કારણે વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મકાનો અને વૃક્ષો ધરાશાયી થયા છે. વીરપુર તાલુકાના સારીયા, દાટલા, લીંબરવાડા, વરધરા સહિત 5 ગામોમાં મકાન ધરશાયી તો 45 જેટલા વૃક્ષો પણ ધરશાયી થયા છે. જિલ્લા તંત્ર દ્વારા JCB અને અન્ય મશીનરી મદદ લઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. ધોધમાર વરસાદને પગલે લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. અનેક રસ્તાઓ બંધ થતા વાહન ચાલકોને હાલાકીને સામનો કરવાનો વારો આવ્યો છે. અનેક ગામો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે.
આગામી બે ત્રણ દિવસમાં રાજ્યમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના
આગામી બે ત્રણ દિવસમાં રાજ્યમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના અધિકારીઓએ આગામી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે પણ વિગતો મેળવી હતી.
કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેકટરોને એલર્ટ રહેવા સૂચના આપી હતી. તે ઉપરાંત નવસારી, વલસાડ, ડાંગ, પંચમહાલ તથા વડોદરા અને છોટા ઉદેપુર સહિતના વધુ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરીને તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન તેમજ નીચાણ વાળા વિસ્તારોના લોકોના કરવામાં આવેલા સ્થળાંતરની ઝીણવટ પૂર્વકની સમીક્ષા કરી હતી.