અકસ્માતો માટે કુખ્યાત બનેલા અમદાવાદ – રાજકોટ નેશનલ હાઇવે પર સોમવાર ફરી ગોઝારો બન્યો હોય. તેમ સુરતથી ચોટીલા પાસેના દહીંસરા ગામે માતાજીના દર્શનાર્થે જવા નીકળેલા પરિવારની રિક્ષા બંધ પડેલ આયશર ટ્રક પાછળ ઘૂસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક અઢી માસના બાળક તેમજ યુવતીનું સ્થળ પર જ મોત નિપજવા સાથે અન્ય ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થતાં રોડ પર કમકમાટી ઉપજાવે તેવા દ્રશ્યો સર્જાયા હતા.
સુરતથી ઓટો રિક્ષા લઇ ચોટીલા પાસેના દહીંસરા જવા પુનાભાઇ મીઠાભાઇ ચોવસિયા પોતાના પુત્ર પ્રકાશભાઇ, પુત્રવધૂ મનીષાબેન, પુત્રી કાજલબેન તેમજ અઢી માસના દિવ્યાંશ પ્રકાશભાઇને લઇ ચોટીલા પાસેના દહીસરા ગામે મેલડી માતાના સ્થાનકે દર્શનાર્થે જવા નીકળ્યા હતા. ત્યારે સાયલા હાઇવે પર મોડેલ સ્કૂલ સામે પહોંચતા સમયે આગળ બંધ પડેલી આયશર ટ્રક પાછળ રિક્ષા ઘૂસી જતાં અક્સ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાંથી ફ્ંગોળાતા ઉછળીને બહાર રોડ પર પડેલા કાજલબેન ઉ.વ 20 તથા ફ્ક્ત અઢી મહિનાના દીવ્યાંશ પ્રકાશભાઇના સ્થળ પર જ મોત નીપજતાં અરેરાટી ઉપજે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.અક્સ્માતની જાણ થતા સાયલા પોલીસનો કાફ્લો ત્યાં દોડી ગયો હતો તેમજ આજુબાજુના સેવાભાવી લોકોની મદદથી ઈજાગ્રસ્તોને ડોળિયા 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા. કરુણાંતિકામાં રીક્ષાનો ખુડદો બોલી જવા સાથે બંને મૃતકની લાશનું સાયલા ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારને સોંપાતા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માતમાં મનીષાબેન તથા પ્રકાશભાઇને ગંભીર ઇજાઓ થવાથી તેમની હાલત નાજુક હોવાથી હાલ પણ સઘન સારવાર ચાલુ છે.