- મૃતદેહ સ્થાનિક વાડી માલિકે ગેરકાયદે નિકાલ કર્યાની ચર્ચા
- વનવિભાગે ચારેયને કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ નામંજૂર કરાયા
- આલીદર રેવન્યુ ગામના કાળીધારમાં વીજશોકથી સિંહણનું મૃત્યું થયું
કોડીનાર તાલુકાના આલીદર ગામની સીમમાં સિંહણને શોક લાગતા મૃત્યુ પામતા અને આ મૃતદેહનો નિકાલ કરવા માટે તેને સળગાવી દેવાની ઘટનામાં વન વિભાગે આલિદર ગામના કરશન બાંભાણીયા, કરશન બારડ, ગોપાલ વાંઝા અને સુનિલ કરશન બાંભાણીયાની ધરપકડ કરી હતી.
આલીદર રેવન્યુ ગામના કાળીધારમાં વીજશોકથી સિંહણનું મૃત્યુ
વન વિભાગે રાખના નમુના તેમજ હાડકાની તપાસ કરી તેના પુરાવા ભેગા કરવા FSL ટીમની મદદ લીધી હતી. વનવિભાગે ચારેયને કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ નામંજૂર કરાયા હતા. બાદમાં કોર્ટે આરોપીઓની જામીન અરજી નકારતા તમામને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે. આલીદર રેવન્યુ ગામના કાળીધારમાં વીજશોકથી સિંહણનું મૃત્યુ થયું હતું. તેનો મૃતદેહ સ્થાનિક વાડી માલિકે ગેરકાયદે નિકાલ કર્યાની બાતમી જામવાળા રેન્જને મળી હતી.
તપાસ બાદ ઉપરોકત ચાર આરોપીઓની અટકાયત કરાઇ
રેન્જની ટીમે આલીદર ગામના રેવન્યુ વિસ્તારોને સ્કેન કર્યા બાદ બનાવ સ્થળ શોધી કાઢયું હતું. ત્યારે અજાણ્યા આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. તે જ દિવસે જુનાગઢ અને સાસણથી ફોરેન્સીક ટીમો તથા ડોગ સ્કવોર્ડની મદદ લઈ અલગ-અલગ જગ્યા પરથી સેમ્પલનું કલેક્શન કરાયુ હતું. બીજા દિવસે 17 નવેમ્બરે જૂનાગઢથી FSLની ટીમ બોલાવી બનાવ સ્થળને રી-વિઝીટ કરાવી, એક્સપર્ટે પૂરાવા કબજે કરી સીલ કરી બનાવ સ્થળ અને તેની સંકળાયેલ ઈસમોની શોધખોળ શરૂ કરી હતી. 18 નવેમ્બરે પ્રાથમિક તપાસના આધારે ટીસી ધારક, બનાવવાળી જગ્યાના માલિકના પુત્ર, સર્વિસ વાયર ખેંચનાર, બનાવ વાળી વાડી જગ્યાના માલિકના પૌત્રને સ્થળ ઉપર પુછપરછ કરી વધુ પુછપરછ માટે 19 નવેમ્બરે તપાસ માટે હાજર રહેવાની નોટિસ પાઠવેલ. તપાસ બાદ ઉપરોકત ચાર આરોપીઓની અટકાયત કરી જામવાળા કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. જેમાં વધુ તપાસ હાથ ઘરાઇ છે.