- ક્રિકેટ ગ્રાઉન્ડ કીચડમાં તબદીલ થયું
- આજે રમાનારી રાત્રિ મેચ મુલતવી રખાઇ
- મેચ બંધ રહેતા ક્રિકેટ પ્રેમીઓ નિરાશ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં શુક્રવારે રાત્રીના અતિભારે કમોસમી વરસાદના કારણે નગરપાલિકા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વરસાદી પાણી ભરાયાં હતા અને સ્ટેડિયમની હાલત સ્વિમિંગપૂલ જેવી થઈ ગઈ હતી. ગઈકાલે રાત્રિના 2 વાગ્યાથી લઈ સવાર સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો તેને લઈ કોડીનાર નગર પાલિકા ક્રિકેટ ગ્રાઉન્ડ કીચડમાં તબદીલ થઇ ચૂક્યું છે તેને લઈ આજ રાત્રિના રમનારી તમામ મેચો મુલતવી રાખવામાં આવી છે.
આજની તમામ મેચ રદ થઈ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ગત રાત્રિએ 1થી 2 ઇંચ જેટલો કમોસમી વરસાદ પડવાનાના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે. આ સાથે જ કોડીનાર નગરપાલિકા ક્રિકેટ સ્ટેડિયમમાં પણ ભારે પાણી ભરાયું હતું. ક્રિકેટ સ્ટેડિયમમાં પાણી ભરાતા અહી સ્વ. મિત શિવાભાઈ સોલંકીના સ્મરણાર્થ ચાલી રહેલી રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોએ આજની તમામ મેચો રદ કરતા ક્રિકેપ્રેમીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.
ગ્રાઉન્ડમાંથી પાણી કાઢવા પંપ મુકાયા
બીજી તરફ આ ક્રિકેટ સ્ટેડિયમ ફરી ધમધમતું થાય અને ગ્રાઉન્ડ સુકાઈ તે માટે આયોજકો અને કોડીનાર નગરપાલિકા દ્વારા તાબડતોબ કામગીરી હાથ ધરાઈ. હતી. સ્ટેડિયમમાં ભરાયેલા પાણીને બહાર કાઢવા માટે પંપ મૂકવામાં આવ્યા હતા અને સાથે જ ગ્રાઉન્ડના લેવલિંગ અને સુકાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.