- સીમા જાગરણ મંચ દ્વારા કરાયું અનોખી મટકી ફોડનું આયોજન
- મૂળદ્વારકાની આસપાસના 12 ગામના લોકોએ લીધો ભાગ
- વિજેતા ટીમોને શિલ્ડ અને તમામ ટીમોને પ્રોત્સાહન પુરસ્કાર
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળદ્વારકા ગામે જન્માષ્ટમી પર્વ નિમિત્તે સીમા જાગરણ મંચ દ્વારા આસપાસના બાર ગામના યુવાનો વચ્ચે સમુદ્ર કિનારા નજીક મટકી ફોડ સ્પર્ધા યોજાઈ. સેંકડો લોકોએ આ સ્પર્ધા માણી અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત. પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલી ટીમને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા તો ભાગ લેનાર તમામ ટીમને પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા. ભારતમાં આ પ્રકારનો પ્રથમ પ્રયત્ન હોવાનું સીમા જાગરણ મંચે જણાવ્યું.
ગીરના કોડીનારના મૂળદ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વને લઈને સીમા જાગરણ મંચ દ્વારા હિન્દૂ એકતા અને સંગઠનના દર્શન થાય તેમજ ઉત્સવોમાં સમરસતા જળવાઈ રહે તેવા શુભ આશયથી મૂળ દ્વારકા બંદરની આસપાસના 12 ગામોના યુવાનો વચ્ચે ‘મટકી ફોડ સ્પર્ધા’ યોજવામાં આવી હતી.
આ સ્પર્ધામાં મૂળ દ્વારકા,મઠ, પણાદર,કડવાસણ, ચૌહાણ ની ખાણ,દુદાણા,નવાગામ સહિતના ગામોના ગોવિંદાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં 19.32 સેંકડમાં મટકી ફોડી કડવાસણ ગામ પ્રથમક્રમે રહ્યું હતું.
તો, બીજા ક્રમે 24.14 સેકન્ડ સાથે નવાગામ અને ત્રીજા ક્રમે દુદાણા 26.10 સેકન્ડ સાથે રહ્યું હતું. સેંકડોની સંખ્યામાં કોડીનાર શહેર તેમજ આસપાસ ગામો ના લોકોએ આ સ્પર્ધાને માણી હતી. જન્માષ્ટમી પર્વ પ્રસંગે આ સ્પર્ધાનો હેતુ હિન્દૂ સંગઠનની મજબૂતી, સામાજિક સમરસતા અને સમૂહ ઉત્સવની ભાવના જળવાઈ રહે તે છે.આ જન્માષ્ટમી પ્રસંગે આ પ્રકારનો મટકી ફોડ સ્પર્ધાનો કાર્યક્રમ ભારતમાં પ્રથમ પ્રયોગ સીમા જાગરણ મંચ દ્વારા યોજાયો હોવાનું જણાવાઈ રહ્યું છે.