- બ્રિજ નિર્માણ માટે એજન્સી નક્કી કરવામાં આવી
- અધૂરા છોડાયેલા રેલવે ઓવરબ્રિજની બંને બાજુ જોડવાની કામગીરી કરાશે
- નગરપાલિકા દ્વારા નાણા ન ચૂકવાતા આ કામગીરી અધુરી છોડાઈ હતી
ખંભાતમાં છેલ્લા એક વર્ષથી વિલંબમાં પડેલ રેલવે ઓવર બ્રિજના નિર્માણની કામગીરીનું કામ એજન્સીને સોંપાતા ટૂંક સમયમાં જ આ કામગીરી શરૂ થશે. ખંભાત રેલવે ફટક ઉપર 27 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઓવરબ્રિજ છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા તેમજ જીયુડીસી દ્વારા નાણા ન ચૂકવાતા આ કામગીરી અધુરી છોડાઈ હતી.
આ અંગે R&Bના ડેપ્યુટી ઇજનેર પાર્થ શાહના જણાવ્યા મુજબ કુલ બ્રિજની લંબાઈમાં રેલવેની હદમાં આવતા બ્રિજના ભાગની કામગીરી રેલવે વિભાગના બાંધકામ શાખા દ્વારા નવ કરોડના ખર્ચે પૂર્ણ કરાઈ છે. પણ તેને જોડતા બંને બાજુના જોડાણોની કામગીરી જરૂરી નાણાકીય વ્યવસ્થાને અભાવે આ કામગીરી અધુરી છોડવામાં આવી હતી. જો કે હવે રેલ્વે ઓવરબ્રિજનું કાર્ય વહેલી તકે પૂર્ણ કરાશે.
ખંભાત રેલવે ઓવરબ્રિજ માટે કુલ 27 કરોડનું બજેટ નક્કી કરાયું
ખંભાત રેલવે ઓવરબ્રિજ માટે કુલ 27 કરોડનું બજેટ નક્કી કરાયું હોય જે પૈકી નવ કરોડના બજેટના કામ પૂર્ણ કરાયું છે. જ્યારે બાકી રહેતા 18 કરોડ પૈકી પ્રથમ તબક્કામાં પાંચ કરોડ જમા થતા આ બ્રિજના બંને તરફ્ જોડાણની કામગીરી હાથ ધરવામાં આવશે.