- રાજસ્થાનના રાજ્યપાલે સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી
- રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા
- નર્મદા બંધની મુલાકાત લઈ જળરાશિના ઉપયોગ અંગે જાણકારી મેળવી
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. બુધવારના રોજ એકતા નગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ્ યુનિટી નિહાળીને ભવ્યતા અનુભવી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી. રાજ્યપાલે સ્ટેચ્યુ ઓફ્ યુનિટીની 45 માળની ઉંચાઈએ આવેલી વ્યુઈંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હૃદયસ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું.
વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ્ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન-કવનની તસવીરી ઝલક રાજ્યપાલે નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ હેમ ભટ્ટ અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ દ્વારા રાજ્યપાલને સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ્ કર્યા હતા. મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ્ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના નાયબ કલેકટર અભિષેક સિન્હાએ રાજયપાલને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મુલાકાત પોથીમાં પોતાનો પ્રતિભાવ નોંધતા કલરાજ મિશ્રાએ જણાવ્યુ હતુ કે ,સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ખરેખર અદભુત છે અને વિશ્વના લોકોને આકર્ષે છે. એકતા નગર ખાતે આવેલા વિવિધ પ્રકલ્પો પૈકી સરદાર સરોવર ડેમની પણ રાજ્યપાલે મુલાકાત લીધીહતી. રાજ્યપાલે આ મુલાકાત દરમિયાન તેઓની સાથે અધિક કલેક્ટર નારાયણ માધુ, નાયબ કલેકટર અભિષેક સિન્હા, જિલ્લા વહીવટી તંત્રના નાયબ કલેક્ટર(પ્રોટોકોલ) એન.એફ્.વસાવા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.