- કંડલા એરપોર્ટ રોડ ત્રણ રસ્તા પાસે અકસ્માંતમાં યુવતીનું મોત
- આશાસ્પદ કિશોરીના મોતને પગલે સ્થાનિકોમાં આક્રોષ ભભુકી ઉઠયો
- મીણબતી પ્રગટાવી દેખાવ કરાયો, હાઈવે પર વાહનોની કતારો લાગી ગઈ
કંડલા એરપોર્ટ રોડ ત્રણ રસ્તા પાસે અકસ્માંતની ગોઝારી ઘટનામાં આશાસ્પદ કિશોરીનુ મોત નિપજ્યું હતુ. ઘટનાના વિરોધમાં આજે આસપાસની 40 થી 50 સોસાયટીના રહિશોએ હાઈવે પર મીણબતી પ્રગટાવી દિવંગતને અંજલી આપી હતી. ત્યારબાદ ભારે વાહનો પર રોક લગાડવાની માંગ સાથે હાઈવે પર ચક્કાજામ કરી નાખ્યો હતો. જેને પગલે પોલીસ કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો અને ટોળાને વિખેરવા હળવો બળપ્રયોગ કર્યો હતો. ચક્કાજામને પગલે હાઈવે પર વાહનોની કતારો લાગી ગઈ હતી.
અંજાર તાલુકાના વરસામેડી હાઈવે પર રોડની સાઈડમાં ઉભેલ આશાસ્પદ કિશોરી સ્નેહા આચાર્ય (ઉવ.17)ને ડમ્પરે હડફેટે લેતા કરૂણ મોત નિપજ્યું હતુ. ગોઝારી ઘટના બાદ આજે વરસામેડી સીમમાં આવેલ 40 થી 50 સોસાયટીમાં રહેતા 800 થી 1 હજાર જેટલા લોકોએ એરપોર્ટ ત્રણ રસ્તા પર મીણબતી પ્રગટાવી દિવંગત કિશોરીને અંજલી આપી હતી. આ દરમિયાન લોકોમાં રોષની લાગણી પ્રસરી ગઈ હતી અને આવી ઘટનાનુ ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તેમજ હાઈવે પર ભારે વાહનો પર રોક લગાડી દેવામા આવે તેવી માંગ સાથે ચક્કાજામ કરી નાખ્યો હતો.
હાઈવે પર ચક્કાજામને પગલે માર્ગ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.એન.રાણા, અંજાર પીઆઈ એસ.એન.ગડુ સહિતનો કાફલો કંડલા એરપોર્ટ રોડ પર ધસી ગયો હતો અને લોકોને સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ લોકોનો વિરોધ યથાવત રહ્યો હતો. જેને પગલે પોલીસે હળવો બળપ્રયોગ કરી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વાહન વ્યવહાર પૂર્વરત કરવામા આવ્યો હતો. તો વળી ત્રણથી ચાર લોકો સામે અટકાયતી પગલા લેવાની ફરજ પડી હતી.
ભારે વાહનો બંધ નહિ થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શનો ચાલુ રહેસે
કંડલા એરપોર્ટ ત્રણ રસ્તા પાસે આજે સ્થાનિકોએ વિરોધ દર્શાવી ચક્કાજામ કરી નાખતા ગરમા ગરમીના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે પોલીસે સમજાવટના પ્રયાસો હાથ ધરી મામલો થાળે પાડયો હતો. એરપોર્ટ રોડ પર ભારે વાહનો પર રોક લગાડવા અવાર નવાર સ્થાનિકો દ્વારા રજુઆતો કરવામા આવી છે. તેમ છતાં કોઈ નક્કર નિર્ણય આવ્યો નથી. જેથી જ્યાં સુધી ભારે વાહનો બંધ કરવામા નહિ આવે ત્યાં સુધી માર્ગ પર સમયાંતરે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો કરવામા આવસે તેવી ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામા આવી હતી.