- ડેરોલ સ્ટેશન સ્થિત રેલવે ઓવરબ્રિજની કામગીરી દરમિયાન
- ડેરોલ સ્ટેશનના રહીશો હરકતમાં આવતા ભારે વાહન ડિટેઈન થયું
- તંત્ર દ્વારા ભારે વાહનો સામે અસરકારક કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી છે.
કાલોલના ડેરોલસ્ટેશન સ્થિત રેલવે ઓવરબ્રિજની કામગીરી દરમ્યાન ભારે વાહનો માટે પ્રતિબંધિત રોડ પર ભારે વાહનોના ઘસારાથી ટ્રાફ્કિ પ્રભાવિત થતા લોકોએ છેવટે ભારદારી વાહનને ડિટેઈન કરાવ્યું હતુ.
કાલોલના ડેરોલસ્ટેશન સ્થિત રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલુ હોય અસરગ્રસ્ત રોડને પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે પરંતુ પ્રતિબંધની બિનઅસરકારતાને કારણે ભારે વાહનોના ઘસારાને પગલે સવાર સાંજ ટ્રાફ્કિનો ભારે પ્રભાવ જોવા મળતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે જેથી તંત્ર દ્વારા ઓવરબ્રિજની કામગીરી દરમિયાન તંત્ર દ્વારા ભારે વાહનો સામે અસરકારક કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી છે.
કાલોલના ડેરોલસ્ટેશન સ્થિત ફાટક નંબર 32 પર 2017માં રેલ્વે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ વચ્ચે ચાર પાંચ વર્ષોથી ઓવરબ્રિજની કામગીરી ખોરંભે પડયા પછી ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા અધુરા ઓવરબ્રિજનું બજેટ ફળવીને ઓવરબ્રિજની પુનઃ કામગીરી હાથ ધરતાં ઓવરબ્રિજની કામગીરી દરમ્યાન કામગીરીની સુરક્ષા અને ટ્રાફ્કિના નિવારણ માટે પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને અસરગ્રસ્ત રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધિત કરીને ટુવા ટીંબા તરફ્નો ડાયવર્ઝન આપવામાં આવ્યો છે પરંતુ પ્રતિબંધના અમલવારી અંગે તંત્રની ઉદાસીનતાને પગલે ઓવરબ્રિજની કામગીરી દરમ્યાન આ રોડ પર ભારે વાહનોની કાયમી અવરજવર બેફમપણે જોવા મળતા ભારે વાહનોને કારણે ઓવરબ્રિજની આસપાસના રહીશોની હાલાકીઓ વધી રહી છે અને ઓવરબ્રિજની આસપાસ સવાર સાંજ ભારે ટ્રાફ્કિજામ સર્જાતો જોવા મળી રહ્યો છે. ઓવરબ્રિજની કામગીરી દરમ્યાન લોડીંગ હાઈવા જેવા ભારે વાહનોને કારણે અંડરબ્રીજના વાહનો અને પીંગળી ડાયવર્ઝનના વાહનો ઓવરબ્રિજ પાસે ભેગા થતાં હોવાથી ટ્રાફ્કિનો ભારે ત્રાસ વર્તાઈ રહ્યો છે. જે મધ્યે રવિવારે એક ભારે કન્ટેનર આ વિસ્તારમાં ઘુસી જતાં સર્જાયેલા ટ્રાફ્કિ જામને પગલે સ્થાનિક રહીશોએ હરકતમાં આવીને સ્થાનિક પોલીસને જાણ કરી પ્રતિબંધિત માર્ગ પર ઘૂસેલા કન્ટેનરને ડિટેઈન કરાવ્યું હતું. તદ્ઉપરાંત એક ખાનગી બસચાલક પાસે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જેથી જવાબદાર તંત્રએ તાત્કાલિક અસરથી હરકતમાં આવીને કાર્યવાહી કરી છે.