- યુવકે તેની પૂર્વ પત્નીને ખંજરના ઘા મારી રહેશી નાખી હતી
- ભર બજારે યુવતીના પેટમાં ખંજરના ઘા મારી યુવક ફરાર થઈ ગયો હતો
- વર્ષ 2022માં કલોલમાં ભર બજારે બની હતી ઘટના
કલોલમાં ભર બજારે ખંજર વડે યુવતીની હત્યા કરનાર યુવકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે,બે વર્ષ અગાઉ પૂર્વ પતિ દ્વારા જ યુવતીની હત્યા કરવામાં આવી હતી,આરોપી ભાવેશ કેશવાણી ઉર્ફે રાજાને કલોલ કોર્ટે સજા ફટકારી છે,મહત્વનું છે કે,યુવતીને સારવાર મળે તે પહેલા જ તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.
જાણો શું હતો કેસ
કલોલમાં 15 એપ્રિલના રોજ નવ જીવન મિલ કમ્પાઉન્ડ જોગણી માતાના મંદિર નજીક એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયેલા પૂર્વ પતિએ ખંજરનાં ઘા ઝીંકીને હેમા પરમાનંદ લવાણાની હત્યા કરી હતી. પ્રેમલગ્ન બાદ પતિની કરતૂતોથી કંટાળી હેમાએ છૂટાછેડા લઈ લીધા હતા, પરંતુ ભાવેશ તેને પરત લાવવા માંગતો હતો. અવારનવાર હેમાને ફોન કરીને પાછી આવી જવા માટે ગર્ભિત ધમકીઓ આપતો હતો. આખરે હેમાને રસ્તામાં આંતરીને ખંજરના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી.
યુવતી તાબે ન થતા કરી હતી હત્યા
કલોલમાં ધોળા દિવસે જાહેર રોડ પર યુવતીની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, પૂર્વ પતિ દ્વારા હત્યા કરવામાં આવી હતી. હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, દોઢ વર્ષ પહેલાં પૂર્વ પતિ અને યુવતીએ છૂટાછેડા લીધા હતા. યુવતી અને પૂર્વ પતિએ પ્રેમ લગ્ન કર્યાં હતા. પણ યુવક પરિણીત હોવાની જાણ થતાં જ યુવતીએ તેની સાથે છૂટાછેડા લઈ લીધા હતા. જો કે, છૂટાછેડા બાદ પણ પૂર્વ પતિ યુવતીને પરત આવવા માટે દબાણ કરતો હતો અને તું મારી નહીં તો કોઈની નહીં તેવી ધમકી આપતો હતો. જો કે, યુવતી તાબે ન થતાં તેણે આજે યુવતીના પેટમાં છરીના અનેક ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી દીધી હતી.
બે અઠવાડિયા અગાઉ અમદાવાદ કોર્ટે પણ આપ્યો આવો જ એક ચુકાદો
શહેરકોટડામાં દહેજની માગ કરી પથરીની બીમારીથી પીડાવાના કારણે કામ ન કરી શકતી પુત્રવધૂને કેરોસીન છાંટી જીવતી સળગાવી દેનાર સાસુ રામકુમારી જાદોનને એડિશનલ સેશન્સ જજ બી. કે. અવાસિયાએ હત્યાના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદ ફટકારવા આદેશ કર્યો છે તેમ જ પત્નીને માનસિક-શારીરિક ત્રાસ આપનાર પતિ સાવનસિંગ જાદોનને ત્રણ વર્ષની સજા ફટકારી છે.કોર્ટમાં આ કેસ ચાલી જતાં સરકારી વકીલ મીનલ ભટ્ટે 20 સાક્ષી અને 27 દસ્તાવેજી પુરાવા તપાસી કેસ પુરવાર કર્યો હતો.