- 15 દિવસોમાં 6 નાનાં બાળકો સહિત 10ને બચકાં ભર્યાં
- નાગરિકોએ પંચમહાલ વન વિભાગને લેખિતમાં રજૂઆત કરી
- બાળકો,મહિલાઓ અને વડીલોને જોઈને હુમલો કરીને શરીરે બચકાં ભરીને ભાગી જાય છે.
કાલોલ તાલુકાના દેલોલ ગામે છેલ્લા 15 દિવસથી ખુંખાર બનેલા એક કપિરાજે 6 નાનાં બાળકો સહિત 10 લોકોને બચકાં ભરીને હાહાકાર મચાવ્યો છે. કાલોલ તાલુકાના દેલોલ ગામના લોકોએ જણાવ્યું હતું કે ખુંખાર બનેલો એક કપિરાજ વહેલી સવારે ગામમાં આવી જાય છે અને ગમે તે ફળિયામાં આવીને આતંક મચાવે છે. જે એકલ દોકલ બાળકો, મહિલાઓ અને વડીલોને જોઈને હુમલો કરીને શરીરે બચકાં ભરીને ભાગી જાય છે.
આ ખુંખાર બનેલા કપિરાજે અત્યારસુધી નાનાં બાળકો સહિત 10 લોકોને બચકાં ભરી ઇજાઓ પહોંચાડી છે અને ભોગ બનેલા ઇજાગ્રસ્તોને હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. દરમીયાન તાજેતરમાં શુક્રવારે સાંજે વધુ બે વ્યક્તિઓને આ કપિરાજે કરડી ખાતાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ખુંખાર બનેલા કપિરાજના આતંકના ભયથી નાનાં બાળકો અને મહિલાઓ સહિત ગ્રામજનોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે, જ્યારે ખેડૂતો પણ સીમમાં જવાનું ટાળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેલોલ ગામમાં ગત માર્ચ મહિનામાં પણ એક કપિરાજે કહેર મચાવતાં પાંચ છ વ્યકિતોને કરડી ખાધા હતા જે બે મહિનાના વિરામ બાદ તાજેતરમાં વધુ એક ખુંખાર બનેલા કપિરાજે વધારે હિંસક બની આતંક મચાવતા લોકો ભયભીત બની ગયા છે.
આમ છેલ્લા દસેક દિવસોથી ચાલી રહેલા કપિરાજોના આતંક અંગે સ્થાનિક જાગૃત નાગરિકોએ પંચમહાલ જિલ્લા વન વિભાગને લેખિતમાં રજૂઆત કરીને આતંક મચાવતા હુમલાખોર કપિરાજને જબ્બે કરવાની લોકમાંગ કરી છે.