- વકીલો પર હુમલા કરી, હત્યા કરવા સુધીના બનાવ બન્યાં
- સરકાર સમક્ષ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બાબતનો કાયદો બનાવવા માટેની માંગણી કરવામાં આવી રહી છે
- વકીલોને આવા હુમલાને લઈને પોતાની અને પોતાના પરિવારજનોની સુરક્ષા સલામતીની ચિંતા સતાવી રહી છે
કાલોલ તાલુકા બાર એસોસિએશન દ્વારા મંગળવારે એડવોકેટ પ્રોટેકશન એક્ટનો કાયદો પસાર કરવાની માંગને સમર્થન આપતું આવેદન કાલોલ મામલતદારને આપ્યું છે.
આવેદન મુજબ ગુજરાત રાજ્યમાં લોકહિત માટે કાનૂની સેવા આપતા વકીલો પર અમુક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હુમલાઓની નીંદનીય ઘટનાઓને લઈને તમામ વકીલો તેમજ તેઓના પરિવારની સુરક્ષા સલામતી માટે સમગ્ર ગુજરાત રાજ્યના વકીલ મંડળો દ્વારા સરકાર સમક્ષ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બાબતનો કાયદો બનાવવા માટેની માંગણી કરવામાં આવી રહી છે. જેમાં ભૂતકાળમાં કેટલાક ભૂ-માફ્યિા તત્વો દ્વારા વકીલો પર હુમલા કરી તેઓની હત્યા કરવા સુધીના બનાવ બન્યા છે. ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના વકીલોને આવા હુમલાને લઈને પોતાની અને પોતાના પરિવારજનોની સુરક્ષા સલામતીની ચિંતા સતાવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક એડવોકેટ પ્રોટેક્શન એક્ટ કાયદો બનાવી વકીલોની સુરક્ષા સલામતી પ્રદાન કરવામાં આવે તેવી માંગણી પ્રગટ કરી રહ્યા છે જે બાબતને લઈ ઠેર ઠેર વકીલ મંડળો દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો કાયદો બનાવી તાત્કાલિક અસરથી તેને અમલમાં લાવવા માટે અને ગુજરાત સરકાર સુધી પોતાની રજૂઆત પહોંચાડવા માટે લાગતા વળગતા તંત્ર મારફ્તે પોતાની રજૂઆતો આવેદનપત્ર મારફ્તે કરવામાં આવી રહી છે.