- શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ નાની કડી ડી.રાજા વિદ્યા સંકુલ દ્વારા પંચામૃત માણેક મહોત્સવ યોજાયો
- સહકારથી આ સંસ્થામાં ઉજ્જવળ કારકિર્દીના ડગ માંડી રહી છે
- મધ્યસ્થ કાર્યાલય ભવન અને પ્રવેશદ્વારનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું
કડીના કલ્યાણપુરા રોડ ઉપર આવેલી શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ નાની કડી સંચાલિત રાજા વિદ્યાસંકુલ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં રવિવારે પંચામૃત માણેક મહોત્સવ યોજાયો હતો. નવનિર્મિત ગર્લ્સ હોસ્ટેલ ભવન, મધ્યસ્થ કાર્યાલય ભવન અને પ્રવેશદ્વારનું ઉઘ્દાટન મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ આર્ટ્સ એન્ડ કોમર્સ ગર્લ્સ નર્સિંગ કોલેજ અને હોસ્ટેલ ભવનનું નામાંકરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે કેમ્પસમાં નવીન બની રહેલા આર્ટસ કોમર્સ ગર્લ્સ કોલેજ ભવનનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને દાતાઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાતાઓ, વિદ્યાર્થીનીઓ, આગેવાનો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતની નારી શક્તિના સામર્થ્યને ઉજાગર કર્યું છે. સમાજના સાર્વત્રિક વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય અંગ છે. ગુજરાતની ધરતીના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ કન્યા કેળવણી મહોત્સવ આજે દરેક માટે પ્રેરણસ્ત બન્યો છે. આજે દીકરીઓના ડ્રોપ આઉટ રેશિયો 2 ટકા સુધી લાવી શક્યા છીએ. વધુમા તેમણે ઉમેર્યું હતું કે, કડીની આ સંસ્થા સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બની છે. રાજ્યના વિવિધ 41 સમાજની દીકરીઓ સૌના સાથ અને સહકારથી આ સંસ્થામાં ઉજ્જવળ કારકિર્દીના ડગ માંડી રહી છે.
આ પ્રસંગે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી સમાજ સેવા, કન્યા કેળવણી અને આરોગ્ય ક્ષેત્રેના ત્રિવેણી વિકાસને વધુ મહત્વ આપે છે. કન્યા કેળવણી મહોત્સવ થકી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સમાજમાં દીકરીઓની શિક્ષણ પ્રત્યે આહલેક જગાવી હતી, ત્યારે કડી પણ સ્ટડી વીથ કડીના સૂત્ર સાથે શિક્ષણ ક્ષેત્રે અનેક શહેરો માટે પ્રેરણારૂપ બન્યું છે.