- વિદેશપ્રેમીઓને લૂંટતા એજન્ટો, ગાંઠના ખર્ચી બંને દંપતી પરત ફર્યા
- દંપતી પાસે પાણી પીવાના પણ પૈસા બચ્યા નહીં
- પાસપોર્ટ, ડોલર બીજા એજન્ટને અપાવી દીધા
કલોલ શહેરમાં રહેતું એક દંપતી અને કડીમાં રહેતું દંપતી એજન્ટ મારફતે અમેરિકા જવા નીકળ્યા હતા. એજન્ટે અમેરિકા મોકલવાનું કહી કેનેડાથી અમેરિકા મોકલી આપશે તેમ કહી અલગ અલગ સ્થળોએ ફેરવ્યા હતા. આમ છતાં બંને દંપતિને છેવટે વતન પરત ફરવું પડયું હતું. લગભગ સાડા ત્રણ મહિના જેટલો સમય બહાર ફેરવી બંને દંપતી પાસેથી રૂ.16.22 લાખ ખંખેરી લીધા હતા. કલોલના દંપતી પાસેથી રૂ.8 લાખ 90 હજાર અને કડીના જયેશભાઈ પાસેથી રૂ.7,32,000 લઈ લીધા હતા. તેઓએ પોલીસ મથકમાં એજન્ટ કમલેશ જયંતિભાઈ બારોટ (રહે.ખુશ્બુ એપાર્ટમેન્ટ દૂધસાગર ડેરીની પાછળ મહેસાણા) અને રાજેશ ઉર્ફે વીરા ઉર્ફે છગનભાઈ (રહે. કલોલ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
કલોલમાં રહેતા જીગ્નેશ હર્ષદભાઈ બારોટને વિદેશ જવું હોય તેઓ કમલેશ જયંતીભાઈ બારોટ (રહે. ખુશ્બુ એપાર્ટમેન્ટ દૂધસાગર ડેરી પાસે મહેસાણા)ના સંપર્કમાં આવ્યા હતા. કમલેશે બજેટ પૂછતા જિગ્નેશે 20 લાખનું બજેટ કહેતા આટલા બજેટમાં યુરોપના વિઝા થઈ શકે તેમ કહેતા જિગ્નેશે આથી યુરોપ જવાનું નક્કી કરી રૂ.20,000 ગુગલ પેથી આપ્યા હતા. બાદમાં વિઝા અને ડોક્યુમેન્ટ ખર્ચ વગેરે પેટે પૈસા લીધા હતા. પછી તેઓને મુંબઈના એજન્ટ પાસે મોકલ્યા હતા. મુંબઈ સબમિશન માટે ગયા પણ ત્યાં તેમનું રિઝલ્ટ નેગેટીવ આવતા જિગ્નેશભાઈએ કમલેશ પાસે રૂપિયાની ઉઘરાણી કરતા કમલેશે અમેરિકા જવું હોય તો મજરે આપું તેમ કહેતા જિગ્નેશભાઈ અને તેમના પત્ની અમેરિકા જવા નક્કી કર્યું હતું. કમલેશે વિઝાના બંનેના ખર્ચ પેટે એક કરોડ ખર્ચ થશે અને મેકિસકો પહોંચો ત્યારે તમારે પૈસા આપવાનું કહેતા દંપતી સંમત થયું હતું.
ગત તા.10-04-ર0ર3ના રોજ અમેરિકા જવા પત્ની સાથે મુંબઈ ગયા હતા. જ્યાં તેમને કડીમાં રહેતા જયેશભાઈ ગુણવંતભાઈ પટેલ અને તેમના પત્ની મળ્યા હતા. તેમને પણ અમેરિકા જવાનું હતું. તેમણે પણ કમલેશને કામ આપ્યું હતું. કમલેશે જીગ્નેશભાઈને 1500 ડોલર રાખવા કહ્યું હતું જે ડોલર કેનેડાથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવનાર ડોંકરને આપવા જરૂર પડશે. જેથી તેઓએ 1400 ડોલર સાથે લીધા હતા. ત્યારબાદ કમલેશ બંને કપલને ફલાઈટમાં બેસાડી કોલંબો અને ત્યાંથી જકાર્તા લઈ ગયા હતા. કેનેડાના વિઝા મંજૂર ન થાય ત્યાં સુધી એક વિલામાં રહેવું પડશે તેમ કહી જકાર્તાના કોતાબુંગાના પુન્ચાક હિલ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં કમલેશે જકાર્તાના એજન્ટ રાજેશકુમાર વીરા ઉર્ફે છગન સાથે મુલાકાત કરાવી હતી. બંને દંપતીના પાસપોર્ટ છગનને આપવાનું કહ્યું હતું. ત્યારબાદ કમલેશે તેમની પાસે રૂ.3,50,000ની માંગણી કરતા જિગ્નેશભાઈએ પિતા પાસેથી પૈસા લઈ કમલેશને આપ્યા હતા. કમલેશે 1100 ડોલર છગનને અપાવ્યા હતા. બાદમાં કમલેશ સામાન લેવાનું કહી ઈન્ડિયા ભાગી આવ્યો જ્યારે છગન સ્ટે પરમીટના નામે ફેરવ્યા બાદ વિલામાં પરત મુકી ગયો હતો. અંતે જકાર્તાથી પરત ફરવા માટે કમલેશને કહેતા તેણે ટિકિટના પૈસા ખર્ચવા પડશે તેમ કહી હાથ ખંખેરી લીધા હતા. બંને દંપતી જેમતેમ પૈસાની વ્યવસ્થા કરી કલોલ પાછા આવ્યા હતા.
બંને દંપતી પાસે પૈસા ખૂટી ગયા, ત્રણ દિવસ ભૂખ્યા રહ્યા
બંને કપલ પાસે પૈસા ખૂટી ગયા હતા. જરૂરી સામાન લેવા માટે તેમની પાસે કોઈ પૈસા નહીં રહેતા તેઓએ છગનભાઈને કહેલ કે અમારી પાસે પૈસા ખૂટી ગયા છે. પાણી પીવાના પણ પૈસા રહ્યા નથી અને આ કપલ સતત ત્રણ દિવસ સુધી ભુખ્યું હતું. તેમ છતાં એજન્ટ છગનભાઈ તેમની પાસે અવારનવાર પૈસાની માંગણી કરતો હતો.