- સમગ્ર દસ્તાવેજ પ્રકરણમાં મુખ્ય આરોપીઓ છે નટુ સોલંકી, કૃષ્ણ પટેલ
- સુપ્રિમ કોર્ટ જામીન રદ કરશે તો બંને આરોપીઓને જેલમાં જવાનો વારો આવશે
- હવે સમગ્ર કેસના 3 આરોપીઓ સબજેલમાં, 2 આરોપી ભાગેડું, 4ને જામીન મળ્યા
સરકારના મહત્વના દસ્તાવેજ એવા આધારકાર્ડ સાથે છેડછાડ કરીને નકલી આધારકાર્ડ બનાવીને ભારત સરકાર સાથે છેતરપીંડી આચરવી તેમજ તે નકલી આધારકાર્ડના આધારે અસલી જમીન માલિક સાથે વિશ્વાસઘાત કરીને ઈડરની રજીસ્ટ્રાર કચેરીમાં નકલી જમીનમાલિક રજૂ કરીને બોગસ દસ્તાવેજ કરીને આર્થિક ગુનાઓ આચરવાની બાબત અતિ ગંભીર હોવાથી સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો છે.
આ કેસના મુખ્ય આરોપીઓ એવા ઈડર તાલુકાના મોહનપુરાના કૃષ્ણકાંત કોદર પટેલ અને ઈસરવાડાના પુર્વ સરપંચ પુષ્પાબેનના પતિ નટુ ગોવા સોલંકી અંગે ગત 10મી સુનાવણી હતી, પરંતુ એ દિવસે ફરીથી મુદ્ત પડતાં રરમીએ મંગળવારે સુપ્રિમકોર્ટમાં બંને ભાવિ અંગે સુનાવણી હાથ ધરાશે અને શું નિર્ણય આવે છે તેના ઉપર પોલીસ વડા વિશાલ વાઘેલા અને જાદર પોલીસની નજર છે. દરમ્યાન બે ભાગેડું આરોપીઓ પૈકી હિંમતનગરના હુસેન દિવાનને ઝડપીને સબજેલને હવાલે કરાયો છે, જયારે અન્ય આરોપી ગુલામના આગોતરા ઈડર કોર્ટે રદ કર્યા હોવા છતાં હજુ પણ પોલીસ પક્કડથી દૂર છે.
ઇડરના ઈસરવાડા ગામની ખેતીની જમીનના મૂળ માલિક હિંમતનગરના સવગઢમાં રહેતા અબ્દુલસતાર અબ્દુલરહીમ મેમણના આધારકાર્ડમાં મેઘરજના નિશારઅહેમદ સૈયદનો ફોટો ચોંટાડી ઈસરવાડાના પૂર્વ મહિલા સરપંચ પુષ્પાના પતિ નટુ ગોવા સોલંકીએ અસલી જમીનમાલિકને મળ્યા વગર બારોબાર સસ્તા ભાવે જમીન ખરીદવાની લાલચ રાખનાર ઈડરના મોહનપુરાના કૃષ્ણ પટેલ સાથે જમીનની કિંમત 1.86 કરોડ નક્કી કરીને 1.07 કરોડ રોકડા લઈને તેના નામે ગત તા.27 જાન્યુઆરી 2022ના રોજ બોગસ દસ્તાવેજ કરાવી દીધો હતો. જે મામલો જમીનના મૂળ માલિકને ખબર પડતા જ તેણે તા.15 ફેબ્રુઆરી ર0રરના રોજ જાદર પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ નકલી આધારકાર્ડ સાથે બોગસ જમીનમાલિક બનીને થયેલું દસ્તાવેજ કાંડ સમગ્ર સાબરકાંઠામાં ભારે ચર્ચાસ્પદ બનતા મામલો હાઇકોર્ટમાં પહોંચી ગયો હતો. જેથી હાઈકોર્ટે આ મામલે સચોટ તપાસ કરવાની જાદર પોલીસને ટકોર કરતાં આખરે જાદર પોલીસે તા.31 માર્ચ 2022ના રોજ નકલી આધાર કાર્ડ બનાવનાર, નકલી જમીન માલિક, સસ્તા ભાવે બારોબાર જમીન ખરીદનાર, બોગસ દસ્તાવેજ કરનાર, જ્યાં સમગ્ર કાવતરું ઘડાયું હતું તે શખ્સ સહિત શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. બાદમાં સમગ્ર મામલો બોગસ આધારકાર્ડ દ્વારા નકલી જમીન માલિક ઊભો કરીને અન્ય કોઈની મિલકતને બારોબાર વેચી દેવાનું કૌભાંડ ખુબ જ ગંભીર હોવાથી સુપ્રીમ કોર્ટમાં પહોંચી જતાં ગત 10મી નવેમ્બરે આ કેસના મુખ્ય આરોપી નટુ ગોવા સોલંકી અને કૃષ્ણ કોદર પટેલ મામલે સુનાવણી થનાર હતી, પરંતુ તેમાં કોઈ કારણસર મુદ્ત પડતા હવે આગામી રરમીએ મંગળવારે સુનાવણી થશે. જે સુનાવણી દરમ્યાન જો સુપ્રિમ કોર્ટ બંનેના જામીન રદ કરશે તો બંને આરોપીઓને જેલમાં જવાનો વારો આવશે.
સમગ્ર કાવત્રુ જેની ઓફિસમાં ઘડાયુ તે હુસેનને કોર્ટે સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો
ઈસરવાડાના નટુ સોલંકી અને તેના સાગરીતોએ હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે આવેલી જેની ઓફિસમાં નકલી આધારકાર્ડ બનાવવા સહિતનું સમગ્ર કાવત્રુ ઘડીને બોગસ દસ્તાવેજ કાંડને અંજામ આપી દીધો હતો તે આરોપી હુસેનશા નાથુસા દિવાન છેલ્લા નવ મહિનાથી નાસતો ફરતો હતો, જેથી તેને ઝડપી લેવા એસપી વિશાલ વાઘેલાએ એલસીબીને સુચના આપતાં ત્રણ દિ પહેલાં એલસીબીએ તેને ઝડપી લઈને જાદર પોલીસને સોંપી દેતાં જાદર પીએસઆઈ એ.બી.શાહે તેને ઈડર કોર્ટમાં રજૂ કરતાં ઈડર કોર્ટના ન્યાયાધીશે તેને જેલને હવાલે કરી દેવાનો આદેશ આપતા હુસેન દિવાનને હિંમતનગર ખાતે આવેલી સબજેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
ભારે ચર્ચાસ્પદ બનેલા બોગસ દસ્તાવેજ પ્રકરણના આરોપીઓએ કેવી રીતે સમગ્ર કાવત્રુ ઘડયું ?
1) ઈડરના મોહનપુરાના કૃષ્ણકાંત કોદર પટેલ: મોંઘી જમીન સસ્તામાં લેવાની લાલચ કરીને હિંમતનગરના અસલી જમીન માલિકને મળ્યા વગર જ ઈસરવાડાના પુર્વ મહિલા સરપંચ પુષ્પાબેનના પતિ નટુ ગોવા સોલંકી સાથે 1.86 કરોડનું બાનાખત કરીને તેને 1.07 કરોડ રોકડા આપીને પોતાના નામે દસ્તાવેજ કરાવી લીધો હતો.
2) ઈસરવાડાના નટુ ગોવા સોલંકી: હિંમતનગરના શખ્સની જમીનનો કૃષ્ણ સાથે 1.86 કરોડનું બાનાખત કરીને તેના પાસેથી 1.07 કરોડ લઈને અન્ય આરોપીઓની મદદ લઈને જમીન માલિક જેવો જ માણસ મેઘરજથી શોધી લાવીને ઈડરની રજીસ્ટ્રાર કચેરીમાં રજૂ કરીને કૃષ્ણ પટેલના વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો.
3) હિંમતનગરનો હુસેનસા નાથુસા દિવાન: હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે આવેલી એની ઓફિસમાં તેના માણસો પાસે અસલી જમીનમાલિક જેવું જ બોગસ આધારકાર્ડ બનાવીને તેની ઓફિસમાં બોગસ દસ્તાવેજ પ્રકરણને અંજામ આપવામાં આવ્યું.
4) લાલપુરનો જમીલહુસેન અબ્દુલલતીફ વિજાપુરા: નટુના કહેવાથી અસલી જેવા દેખાતા નકલી જમીન માલિક શોધવામાં તેમજ બોગસ દસ્તાવેજમાં સાક્ષી બનીને મદદગારી કરી હતી
5) તાજપુરીનો સચિન મુકેશ સોલંકી: હિંમતનગર ખાતે દસ્તાવેજ લખાવવા ઉપરાંત ઈડર રજીસ્ટ્રાર કચેરી પહોંચી જઈને દસ્તાવેજમાં સાક્ષી બનીને બોગસ દસ્તાવેજ કાંડમાં આરોપીઓની મદદગારી કરી હતી
6) મેઘરજનો નિશારઅહેમદ જાનમહંમદ સૈયદ મકરાણી: 80 હજાર લઈને નકલી જમીન માલિક બનીને ઈડર રજીસ્ટાર કચેરીએ ઉપસ્થિત થઈને વેચાણ દસ્તાવેજના વિડીયો રેકોર્ડીંગમાં અસલી માલિકની જેમ તેને જમીનનું અવેજ મળ્યુ છે તેમ સ્વીકારીને વેચાણ દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કર્યા.
7) હિંમતનગરનો નાસીરખાન અમીરખાન પઠાણ: જમીલના કહેવાથી તેના મામા સસરા એવા મેઘરજના નકલી જમીન માલિક નિશાહઅહેમદને શોધીને હિંમતનગર ખાતે હુસેન દિવાનની ઓફિસે લઈ આવ્યો હતો અને ત્યાંથી બધા ઈડર રજીસ્ટ્રાર કચેરી ગયા હતા.
8) હિંમતનગરનો ગુલામશા બાબુશા દિવાન: હુસેન સાથે મિલીભગત કરીને તેની ઓફિસમાં બોગસ આધારકાર્ડથી લઈને બોગસ દસ્તાવેજ કાંડમાં સામેલ હતો અને ઇકો ગાડીમાં નકલી જમીન માલિક નિશાર, નકલી સાક્ષી જમીલ, સચિનને ઈડર રજીસ્ટાર ઓફિસમાં લઈ ગયો હતો
9) હિંમતનગરનો ઓપરેટર વનરાજ: જેણે તેના માલિક હુસેન દિવાનના કહેવાથી કોમ્પ્યુટરમાં ફોટોશોપ સોફટવેરના માધ્યમથી હિંમતનગરના અસલી જમીનમાલિકનું આધારકાર્ડ સ્કેન કરીને તેમાં મેઘરજના શખ્સનો ફોટો રીપ્લેશ કરીને નકલી આધારકાર્ડ બનાવી દીધું હતું.
ઈડર કોર્ટે ભાગેડું આરોપી ગુલામ દિવાનના આગોતરા રદ કર્યા
હિંમતનગરના પરબડા વિસ્તારના ચિસ્તીયાનગરના ગુલામશા બાબુશા દિવાન બોગસ દસ્તાવેજ કાંડમાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવી હોવા છતાં પોલીસે તેને ભાગવાનો અને આગોતરા જામીન લેવાનો ચાન્સ આપ્યો હોય તેમ નવ મહિના સુધી ભાગેડું છે. જેણે પોલીસ ધરપકડથી બચવા માટે ગત સપ્તાહે ઈડરના બીજા એડીશનલ સેશન્સ જજ સવાઈસિંહ મોહનસિંહ રાજપુરોહિતની કોર્ટમાં આોગતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે સમગ્ર મામલો ખુબ જ ગંભીર હોવાના કારણે તેના આગોતરા જામીન અરજી નામંજૂર કરતા પોલીસે તેની પણ શોધખોળ શરૂ કરી છે.
કૃષ્ણ પાસેથી નટુએ લીધેલા 1.07 કરોડ આખરે કયાં ગાયબ થયા?
બોગસ દસ્તાવેજ દ્વારા ઈસરવાડાની જમીન ખરીદનાર કૃષ્ણકાંત પટેલે જાદર પોલીસને ‘રોકડ સાથે નટુના ફોટા’ના પુરાવા અને લેખીતમાં આપેલા નિવેદન મુજબ તેણે ઈસરવાડાના નટુ સોલંકી સાથે બાનાખત કરીને 1.07 કરોડ આપ્યા હતા. તેમ છતાં જાદર પોલીસે આજ દિન સુધી તે રોકડ કયાં છે તે તપાસ કરી શકી નથી, એટલું જ નથી આખરે આટલી મોટી રોકડ નટુએ કયાં મુકી, કોને આપી અથવા કયાં વાપરી દીધી તેવા પ્રશ્રોના સ્પષ્ટ જવાબ હજુ પણ મળ્યા ના હોવાથી સમગ્ર મામલે તપાસ કરી રહેલી જાદર પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે.