સાબરડેરીના નિયામક મંડળની છ મહિના અગાઉ થયેલી ચૂંટણી બાદ ગુરુવારે પ્રથમ નોરતાના દિવસે ચેરમેન અને વા.ચેરમેનની ચૂંટણી પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. જેમાં ભાજપે ચેરમેન તરીકે શામળભાઈ પટેલને મેન્ડેટ આપતા તેઓ ત્રીજી વખત ચેરમેન બન્યા હતા, જયારે વા.ચેરમેન તરીકે ભાજપે નવા ચહેરા અને સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખના પુત્રને તક આપી છે. જોકે ચેરમેન અને વા.ચેરમેનના મેન્ડેટની જાહેરાત થયા બાદ કેટલાક ડિરેકટરોમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ દેખાયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, ગત માર્ચ મહિનામાં સાબરડેરીના નિયામક મંડળની 15 ડિરેકટરો બિનહરીફ થયા હતા. જયારે એક બેઠકની ચૂંટણી યોજાઈ હતી. જે પૂર્ણ થયા બાદ લોકસભાની ચૂંટણીની આચારસંહિતાને લઈને સાબરડેરીના ચેરમેન અને વા.ચેરમેનની ચૂંટણી તત્કાલિન સમયે મુલત્વી રાખવામાં આવી હતી. તો બીજી તરફ ભાજપ દ્વારા લાંબા સમય સુધી ચર્ચા વિચારણા કર્યા બાદ અને હાઈકોર્ટમાં થયેલી રીટનો ચુકાદો આવી જતાં સાબરડેરીના ચેરમેન અને વા.ચેરમેનની ચૂંટણી થવાના સંજોગ ઉજળા બન્યા હતા.
દરમ્યાન ચૂંટણી અધિકારી ગોસ્વામીએ થોડાક દિવસો અગાઉ સત્તાવાર રીતે ચેરમેન અને વા.ચેરમેનની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતુ. જે મુજબ નવરાત્રીના પ્રથમ નોરતે ગુરુવારે સાબરડેરીના ચૂંટાયેલા ડિરેકટરોની ઉપસ્થિતિમાં ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. દરમ્યાન ભાજપના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, વિજયભાઈ પંડ્યા, ચેરમેન અને વાઈસ ચેરમેનના બંધ કવરમાં મેન્ડેટ લઈને આવ્યા હતા. જે ડિરેકટરોની હાજરીમાં નામ જાહેર કરાયા હતા જેમાં ચેરમેન તરીકે શામળભાઈ પટેલ પર પસંદગીનો કળશ ઢોળાતા તેઓએ સાબરડેરીના ચેરમેન તરીકે હેટ્રીક મારી હતી, તેમજ તેઓ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન પદ ઉપર પણ સેવા આપી રહ્યા છે. જયારે ભાજપે વાઈસ ચેરમેન તરીકે વડાલી-2 વિભાગમાંથી બિનહરીફ થયેલા ઋતુરાજ પટેલ ઉપર પસંદગી ઉતારીને નવા ચહેરાને તક આપી છે.
હવે ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી થઈ ગયા બાદ તરત જ સહકારી અને રાજકીય અગ્રણીઓ તથા ડેરીના કર્મચારીઓએ ચેરમેન અને વાઈસ ચેરમેનનું પુષ્પગુચ્છ તથા હારતોળા કરીને સન્માન કર્યું હતુ. આ પ્રસંગે નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેને પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે અમારા કાર્યકાળ દરમ્યાન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકો અને સાબરડેરીના હિત માટે ડિરેકટરોને સાથે રાખીને નિર્ણય લઈશું.
જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખના પુત્રને લોટરી લાગી
ભાજપે આપેલા મેન્ડેટની જાહેરાત થયા બાદ વાઈસ ચેરમેન તરીકે ઋતુરાજ પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, તેઓ સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ ડાહ્યાભાઈ પટેલના પુત્ર છે. જેઓને સાબરડેરીની ચૂંટણી સમયે ડિરેકટરનો મેન્ડેટ આપ્યો ત્યારે સમગ્ર વડાલી તાલુકા ભાજપ સંગઠનના અગ્રણીઓ અને કાર્યકરોમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. તેમ છતાં ભાજપે વાઈસ ચેરમેન તરીકે ઋતુરાજને મેન્ડેટ આપતાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં નવા જુની થાય તો નવાઈ નહી.
કેટલાક ડિરેકટરોમાં નિરાશા વ્યાપી
ભાજપ દ્વારા મેન્ડેટ સિસ્ટમથી ચેરમેન અને વાઈસ ચેરમેનના નામો ઉપર મહોર લગાવ્યા બાદ સાબરડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેન બનવાના અભરખા રાખતા કેટલાક ડિરેકટરોના ચહેરા પરથી નુર ઉડી ગયું હતુ. જેથી કહી ખુશી કહી ગમ જેવો માહોલ દેખાયો હતો.
હવે 7 ઓકટોબરે સાબરડેરીની સામાન્ય સભા મળશે
નવા ચેરમેન શામળભાઈ પટેલની અધ્યક્ષતામાં સાબરડેરીની 60મી સામાન્ય સભા તા. 7 ઓકટોબરના રોજ ડેરીના ઓડીટોરીયમ હોલમાં સવારે 10 વાગે યોજાશે. જેમાં ડેરીના હિસાબો ડિરેકટરોની ઉપસ્થિતિમાં મંજૂર થશે.