અરવલ્લી જિલ્લામાં આવેલ શામળાજી મંદિરમાં નૂતન વર્ષે ભગવાન શામળિયાને ભક્ત પરિવાર દ્વારા સુવર્ણ ભેટ અર્પણ કરવામાં આવી. હિંમતનગરના ભક્ત પરિવાર દ્વારા શામળિયાને સોનાની પાદુકા અર્પણ કરાઈ છે. જેની કિંમત 30 લાખ રૂપિયા ઉપરની છે અને જે પાદુકાનું વજન 400 ગ્રામ છે. નવાવર્ષે શામળિયાને સોનાનું દાન કરી ભક્ત પરિવારએ ભાવ વ્યક્ત કર્યો.
મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે
શામળાજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો નવા વર્ષને લઈ દર્શન કરવા માટે ઉમટ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો શામળાજી મંદિરે જામી હતી. દેવ ગદાધર શામળાજી વિષ્ણુ મંદિરે દર્શન કરીને નવા વર્ષના આશિર્વાદ મેળવવા માટે ભક્તો દૂર દૂરથી શામળાજી પહોંચ્યા હતા. ભગવાન કાળિયા ઠાકોરને આજે સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા.
મંદિર પરિસરમાં લાંબી લાઈન લાગી
અરવલ્લી જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ શામળાજી મંદિરે ભક્તોની મોટી ભીડ ઉમટી હતી. નવા વર્ષની વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. દિવસભર ભગવાન કાળીયા ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો મંદિર પરિસરમાં જામી હતી. નવા વર્ષે ભગવાન વિષ્ણુના આશીર્વાદ લેવાના ભાવ સાથે ભક્તો વર્ષના પ્રથમ દિવસે શામળાજી પહોંચતા હોય છે. જ્યાં શયન આરતી સુધી ભક્તોની ભીડ જામતી હોય છે.
ભગવાન શામળિયાને સુંદર મજાના સોના ચાંદીના હિરા જડીત આભૂષણો સાથે સાજ શણગાર સજવામાં આવ્યો હતો. કાળિયા ઠાકરને શંખ, ચક્ર, ગદા, પદ્મ અને ભગવાનના ગળામાં શોભતી સુંદર વનમાળાથી શામળિયા ભગવાનનુ સુંદર સ્વરુપના દર્શન કરવા ભક્તો દુર દુરથી આવે છે. શામળાજી મંદિરમાં મંગળવારે દિવસ દરમિયાન અલગ અલગ મનોરથો પણ કરવામાં આવે છે. આમ ખૂબ શ્રદ્ધા અને ભાવ સાથે ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા.