સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના સ્થળે આવેલી નદીઓના પટમાંથી ખાણખનીજ વિભાગ દ્વારા ઈજારો આપીને નદીમાંથી રેતી વેચાણ આપી સરકારને આવક કરાવી આપવાની જોગવાઈ છે
પરંતુ ખાણખનીજ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને કેટલાક ઈજારદારોની મિલીભગતને કારણે નદીની રેતી તથા સીમાડાઓમાંથી માટીની ખુલ્લે આમ ચોરી કરીને વહન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં સાબરકાંઠા જિલ્લા ખાણખનીજ વિભાગના અધિકારીઓ જાણે કે કઈ જ જાણતા નથી તેવું માનીને આ ખનીજ ચોરોને છુપા આર્શીવાદ આપી રહ્યા હોય તેવી છાપ જિલ્લાની પ્રજામાં ઉપસી રહી છે. જેથી રાજય સરકાર દ્વારા જરૂર પડે વિજિલન્સને તપાસ સોંપીને સરકારની આવકને નુકસાન પહોંચાડતા અધિકારીઓ વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. ઘણા વર્ષોથી હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલી સહિતના અનેક ઠેકાણે રાત-દિવસ ખનીજ ચોરી થઈ રહી છે જેની તપાસ થવી જોઈએ.
આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરમાંથી પસાર થતી હાથમતી નદીમાં કેટલાક ઈજાદારો દ્વારા પ્રજા અને તંત્રની નજર ન પડે તેવા રસ્તાઓ શોધી કાઢવામાં આવ્યા છે. જે પૈકી મોતીપુરા વિસ્તારમાં આવેલ હાથમતી કેનાલ પર થઈને રાત્રે અને દિવસે મોટા વાહનોમાં નદીની રેતી ભરીને શહેરની બારોબાર નિકળી જાય છે. લોકો પુછે છે કે ખાણખનીજ વિભાગના અધિકારીઓ આ રસ્તાઓ વિશે કેમ કોઈ જાણકારી ધરાવતા નથી. સાથો સાથ સાબરકાંઠા અને મહેસાણાની સરહદે આવેલ દેરોલ પાસેની સાબરમતી નદીમાંથી પણ ઈજારદારો તેમને આપવામાં આવેલ લીઝમાંથી તથા આસપાસમાંથી રેતીનું ખનન કરીને લઈ જાય છે. જોકે ઈજારદારોનું નેટવર્ક એટલુ જોરદાર છે કે ખાણખનીજ વિભાગના અધિકારીઓ તેમનું વાહન લઈને નિકળે તો તરતજ કેટલાક બાતમીદારો માહિતી અન્ય લોકોને પહોંચાડી દે છે.
આવી જ રીતે ઈડર-વડાલી સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘણા સમયથી નદી તળાવોની કોતરો તેમજ સરકારી પડતર જમીનમાં ધરબાયેલ મહામૂલી ખનીજ સંપતિની ધોળે દહાડે થતી રેતીના ખનીજ ચોરો સામે કાર્યવાહી કરવામાં ભૂસ્તર વિભાગ નિષ્ફળ રહ્યું હોય તેવી છાપ પ્રજામાં ઉપસી રહી છે. એટલું જ નહીં પણ આ બાબતે અનેક લોકો રજૂઆતો કરી થાકી ગયા છે જેથી રાજ્ય કક્ષાએથી ખનન કારો સામે કડક કાર્યવાહી હાથ ધરી કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પ્રાંતિજ, તલોદ સહિતના અન્ય સ્થળે પણ ખનીજ ચોરોએ તંત્રની આંખોમાં ધુળ નાખીને સફેદ રેતી થકી કાળી કમાણી કરવામાં હદ વટાવી દીધી છે. તેમ છતાં કોણ જાણે કેમ સાબરકાંઠાના કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ કડક કાર્યવાહી કરતા ખચકાઈ રહયા છે તે સમજાતુ નથી. જો આમ જ ચાલશે તો નદી કિનારે આવેલા ગામડાઓમાં રહેતા ખેડુતોના બોરકૂવા રીચાર્જ થવાને બદલે બંધ થઈ જશે જેથી ખેડુતોની પણ હાલત કફોડી બની જશે કેટલાક કિસ્સાઓમાં નદી કિનારે માલિકીના ખેતરો ધરાવતા ખેડુતો ખનીજ ચોરો સામે અવાજ ઉઠાવી તો દાદાગીરી કરીને તેમને ચૂપ કરી દેવામાં આવે છે.