હળવદ અને માળીયા તાલુકાના ખેડૂતો હળવદ તાલુકાના નવા ધનાળા નજીક આવેલ માઈનોર D24 કેનાલ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા થયા હતા અને પાણી માટે રામધૂન બોલાવી સુતેલા તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે.
બ્રાન્ચ કેનાલ બંધ થઈ જતાં ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ
હળવદમાં ધનાળા ગામ પાસે એકઠા થયેલા ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરી દેવામાં આવ્યું છે, શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરું, લસણ, ધાણા, રાઈ, રાયડો સહિતના પાકોની વાવણી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોએ પિયત કરી દીધું છે. ત્યારબાદ બીજું પાણી પિયત કરવાનો વારો આવ્યો, ત્યારે જ બ્રાન્ચ કેનાલ બંધ થઈ જતાં ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ છે.
ખેડૂતોએ રામધૂન બોલાવી તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો
હળવદ તાલુકામાં નવા ધનાળા, દેવળિયા, સુરવદર, પ્રતાપગઢ તેમજ માળીયા તાલુકાના ખાખરેચી, રોહિશાળા, વેજલપર સહિત 10 ગામોની આશરે 35 હજાર વીઘા જમીનમાં પાણીનો લાભ મળે તેમ છે, ત્યારે આજે નવા ધનાળા ગામે ખેડૂતોએ આજે રામધૂન બોલાવી અને તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી
હળવદના બ્રાહ્મણી ડેમ 2માંથી માઈનોર કેનાલ વાટે પિયતનું ખેડૂતોને પાણી આપવામાં આવે છે, ત્યારે કેનાલનું પાણી બંધ કરી દેતા આશરે હળવદ અને માળીયા તાલુકાના 35 હજાર વીઘા જેટલી જમીનમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે, આગામી દિવસોમાં જો પાણી આપવામાં નહીં આવે તો કચેરી ખાતે જઈને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.