હળવદના વેગડવાવ પાસેના પેટ્રોલ પંપમાં નંબર પ્લેટ વગરની કાર લઈને આવેલા અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા ટેબલના ખાનામાંથી રૂ. 33 હજાર રોકડા તથા એક સ્માર્ટવોચની ચોરી કરાઈ હતી.
સદર ગુનામાં પોલીસે બે આરોપીની રોકડા રૂપિયા તેમજ કાર સહિત કુલ મળીને રૂ. 1,62,500ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે અને અન્ય એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. વેગડવાવ પાસે આવેલા જય ભવાની પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપના નોકરી કરતા ગગજીભાઈ રમેશભાઈ સારોલાએ ત્રણ અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી. જેમાં જણાવ્યુ હતું કે, ગત તા. 30મીએ સવારે નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ ગાડીમાં અજાણ્યા ત્રણ શખ્સો પેટ્રોલ પંપે આવ્યા હતા. અને પેટ્રોલ પંપની ઓફ્સિના ટેબલના ખાનામાં પડેલા રોકડા 33 હજાર તથા સ્માર્ટ વોચ મળીને 34,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરી હતી. આ ગુનામાં એલસીબીએ આરોપી સુલેમાન ઉફે લક્કી અલ્લાહબક્ષ સાલેભાઈ સમા અને મુસ્તાક પચાણભાઈ સમાં (બંને રહે. માધાપર, ભુજ)ને ઝડપી લીધા છે.