- અકસ્માતમાં રીક્ષામાં સવાર 1 વ્યક્તિનું મોત
- એક સાથે 4 વાહનોના અકસ્માતથી ટ્રાફિક જામ
- તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી
રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે 6 લેન બનવા જઈ રહ્યો છે. ત્યારે રોજિંદા અનેક નાના મોટા અકસ્માતના બનાવો બનતા રહેતા હોય છે. ત્યારે આજે ફરી એક અકસ્માત થયો છે. જેમાં ખાનગી કંપનીની બસ, ઇક્કો કાર, ટ્રક અને પેસેન્જર રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રીક્ષાચાલકને ઇજાઓ થઇ હતી. તેમજ રીક્ષામાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માતની સમગ્ર ઘટનાને લઈને તાલુકા પોલીસના જીતુભા વાળાએ વધુ તપાસ શરુ કરી છે.
અકસ્માત આ રીતે થયો
રાજકોટથી જેતપુર 6 લેન રોડ બની રહ્યો છે ત્યારે, હાઇવે ઓથોરિટી દ્વારા અનેક જગ્યાઓ પર ડીવાઈડરો તોડી નાખીને રસ્તો કરી નાખવામાં આવેલ છે. જેથી કરીને રોજિંદા અનેક નાના મોટા અકસ્માત થતા હોય છે. ત્યારે આજે ભુણાવા નજીક ખાનગી કંપનીની બસ રાજકોટથી ગોંડલ તરફ આવી રહી હતી. ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા તોડેલા ડિવાઈડર નજીકથી વળાંક લેવા માટે ઉભી રહેલ હતી. તે સમયે રાજકોટથી ગોંડલ તરફ જતા ટ્રકચાલકે બસને પાછળથી ઠોકર મારતાં બસ ગોંડલથી રાજકોટ જતી ઇક્કો કાર સાથે અથડાયેલ. ત્યાર બાદ ટ્રકચાલકે બસને ઠોકર માર્યા બાદ ડાબી સાઈડ ટ્રકને લેતાં પેસેન્જર રીક્ષાને અડફેટે લીધી હતી. આ રીતે ચાર વાહનોનો અકસ્માત એકબીજા સાથે સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને લઈને થોડીવાર ટ્રાફિક જામ પણ સર્જાઈ ગયો હતો.
અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું
ભુણાવા પાસે થયેલ ચાર વાહનોના થયેલ અકસ્માતમાં રીક્ષાચાલક રવિ દાનવ રાઠોડ (ઉ.વ. 27)ને ઇજાઓ થઇ હતી. ઇજાઓ થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ. જ્યારે રીક્ષામાં સવાર વિનોદ કુમાર નામના વ્યક્તિનું મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકના મૃતદેહને અકસ્માત સ્થળેથી પી.એમ અર્થે તાલુકા પોલીસના જીતુભાવાળાએ ઇક્કો કારમાં ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક વિનોદ ઓરસોન નામની કંપનીમાં કામ કરતો હતો અને ભરૂડી ગામમાં વસવાટ કરતો હતો.