ગોધરાની પોપટપુરા સ્થિત સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં સતત ખોટવાતા વીજ પુરવઠાને લઈ દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ્ ત્રાહીમામ પોકારી ઉઠયો છે. અંધારપટ વચ્ચે હોસ્પિટલ સાપ ઘુસી જતાં અફ્ડાતફ્ડી અને દોડધામ મચી ગઈ હતી.
પોપટપુરા સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિ દરમિયાન કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતાં દર્દીઓ અને હોસ્પિટલના કર્મચારીઓ મીણબત્તી અને મોબાઈલ ટોર્ચના સહારે મજબુર બની રાત વિતાવતાં હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હોસ્પિટલની આજુબાજુ ઝાડી ઝાંખરા આવેલા હોવાથી ઉંદર,મચ્છર અને સાપ હોસ્પિટલમાં ઘુસી જવાનો સતત ભય રહે છે. અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં હોસ્પિટલમાં સાપ ઘુસી જતાં અફ્ડાતફ્ડી અને દોડધામ મચી ગઇ હતી.
બીજી તરફ્ લાઈટ નહી હોવાથી પાણીની પણ સમસ્યા સર્જાઈ છે. પંચકર્મ માટે રાત્રિ રોકાણ કરતાં દર્દીઓને ભારે તકલીફ્નો સામનો કરવો પડે છે. આ સ્થિતિ વચ્ચે દર્દીઓના રોષનો ભોગ હોસ્પિટલના કર્મચારીઓ બની રહ્યા છે.
એમજીવીસીએલમાં આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં સ્થિતિ ઠેરની ઠેર જ જોવા મળે છે. વીજ પુરવઠો ખોરવાઈ જતાં કેટલાક ઇન્ડોર દર્દી ઓ હોસ્પિટલમાં જાણ કર્યા વિના ઘરે જવા રવાના થઈ ગયા હતાં.