- હર્ષ સંઘવીએ પોલીસની કાર્યવાહીને વખાણી
- કચ્છમાંથી 80 કિલોગ્રામ કોકેઈન પકડાયું
- ઈન્ટરનેશનલ માર્કેટમાં 800 કરોડ છે કિંમત
કચ્છમાંથી ફરી ગુજરાત પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પકડાયેલ જથ્થો 80 કિલો જેટલો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેની માર્કેટ કિંમત 800 કરોડ જેટલી થાય છે.
ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન
ગુજરાત પોલીસ દ્વારા ડ્ર્ગ્સ મામલે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. ગાંધીધામમાં અંદાજિત 80 કિલોથી પણ વધુ ડ્રગ્સ ઝડપાયું છે. આગળની તપાસ માટે ગાંધીધામમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી છે. FSLની પ્રાથમિક તપાસમાં કોકેઈનનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ કરી રહી છે તપાસ
પૂર્વ કચ્છના એસપી દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, માદક પદાર્થની ડિલિવરી થવાની ટિપ્સ વચ્ચે ગુરુવારે બપોરે લોકલ પોલીસે મીઠી રોહર વિસ્તારની ખાડીમાંથી બિનવારસી હાલતમાં પડેલા કોકેઈન જથ્થાને કબ્જે કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત 800 કરોડ રૂપિયા જેટલી થાય છે તેવો આ 80 કિલોનો માલ કોણ જેવી રીતે અહી લાવ્યું તેની પોલીસ તપાસ કરી રહી છે
હર્ષ સંઘવીએ કર્યા વખાણ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “ગાંધીધામ પોલીસની સતર્કતાના કારણે ગુજરાત પોલીસને ડ્રગ્સ સામેની લડાઈમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. છેલ્લા ઘણા દિવસથી ગાંધીધામ પોલીસે સતર્કતા રાખીને બાતમીના આધારે ડ્રગ્સની ડિલીવરી થતાં જ પકડી પાડ્યું હતું. 80 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 800 કરોડ થાય છે. ગાંધીધામ પોલીસ અને ગુજરાત DGPને આ સફળતા માટે અભિનંદન આપું છું તેમજ ગુજરાત પોલીસે છેલ્લાં 2 વર્ષથી ડ્રગ્સ સામે જે ઝુંબેશ ચલાવી છે તેમાં વધુને વધુ સફળતા મળે તેવી આજના દિવસે ગણેશજીને પ્રાર્થના કરું છું.”
ગુજરાત પોલીસનું ખાસ અભિયાન
મહત્વનું છે કે છેલ્લાં અમુક વર્ષોથી ગુજરાત પોલીસ ડ્રગ્સ વિરૂદ્ધ સખત અભિયાન ચલાવી રહી છે. ખાસ કરીને ગુજરાતના દરિયાઈ વિસ્તારો અને તેમાં પણ ખૂબ જ સંવદેનશીલ ગણાતી એવી કચ્છની દરિયાઈ બોર્ડરથી આવતું ડ્રગ્સ પકડવા પર વિશેષ ધ્યાન અપાય છે. ગુજરાતના પશ્ચિમ કાંઠા વિસ્તારમાં મુન્દ્રા અને કંડલા જેવાં બંદરો આવેલાં છે. જેનો લાભ લઈને પેડલરો ડ્રગ્સ પણ ઘૂસાડવાનાં કાવતરાં કરતા હોય છે પરંતુ પોલીસે સતર્કતા દાખવીને ભૂતકાળમાં પણ અનેક વખત ડ્રગ્સ પકડી પાડ્યું છે. નોંધનીય છે કે આ અગાઉ સપ્ટેમ્બર 2021માં પોલીસે મુન્દ્રા બંદરેથી 21 હજાર કરોડ કિંમતનું 3 હજાર કિલો ડ્રગ્સ પકડી પાડ્યું હતું. ત્યારબાદ પણ સમયાંતરે કચ્છમાંથી ડ્રગ્સ પકડાતું રહ્યું છે.