- મેઘરાજાની જોરદાર એન્ટ્રીથી જગતાત ખુશખુશાલ
- નવાગામ,ભંડારીયા,ડમરાળા, સાતપડા, રૂપાવટીમા મેહુલીયો મહેરબાન
- સિઝનનો પહેલો વરસાદ પડતા જેનો આનંદ ઉઠાવવા લોકો વરસાદના ભીંજાવા રસ્તાઓ પર નીકળી પડયા હતા
ગારીયાધાર શહેર અને પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ બની રહ્યો હતો અને લોકોને છેલ્લા પાંચ દિવસથી હાથ તાળી દેતા મેઘરાજાની આજે ગારીયાધાર પંથકમાં શુભ શરૂઆત થઈ હતી.
જેમાં 46 એમએમ જેટલો વરસાદ વરસી ગયો હતો. સિઝનના પહેલા વરસાદથી ગારીયાધાર શહેરના આશ્રામ રોડ, મેઈન બજાર, મીઠા કૂવો, લાતી બજાર, રૂપાવટી રોડ અને પચ્છેગામ રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.પંથકના નવાગામ,ભંડારીયા,ડમરાળા, સાતપડા, રૂપાવટીમા મેહુલીયો મહેરબાન બન્યો હતો.
ગારીયાધાર શહેર અને પંથકમાં સાંજે પાંચ કલાકના અરસામાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. જેમાં આજરોજ પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસી પડયો હતો. સિઝનનો પહેલો વરસાદ પડતા જેનો આનંદ ઉઠાવવા લોકો વરસાદના ભીંજાવા રસ્તાઓ પર નીકળી પડયા હતા. જ્યારે પંથકના નવાગામ, ભંડારીયા, રૂપાવટી, ડમરાળા, મેસણકા અને પચ્છેગામ સહિતના ગામોમાં પણ આજે મેઘરાજાએ કૃપા વરસાવી હતી. સિઝનના પ્રથમ વરસાદની ધમાકેદાર શરૂઆત થતા ખેડૂતો સહિત લોકોમાં આનંદ છવાયો હતો.