- લીલાં લીમડા, બાવળનાં વૃક્ષોને વગર મંજૂરીએ કાપી નાંખ્યાનો અરજદારનો આક્ષેપ
- ખેતીની જમીનમાં વૃક્ષછેદન : જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી સુધી લેખિતમાં ફરિયાદ કરાઈ
- ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે વૃક્ષોનુ આડેધડ કાઢેલું નિકંદન હવે કાળઝાળ ગરમી સ્વરૂપે તેને જ નડી રહ્યું છે
બાયડ તાલુકાના માધવકંપા ગામની સીમના સર્વે નંબરની ખેતી વિષયક જમીનોમાં વગર મંજુરીએ લીલાં લીમડા અને બાવળોના 300થી 400 જેટલાં વૃક્ષોના નિકંદન કાઢવામાં આવ્યું હોવાની ફરિયાદ સાથે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત થતાં તાલુકાનુ તંત્ર દોડતું થયુ છે.
દર વર્ષે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યુ છે. હવામાનમાં ફેરફર સહિતના અનેક પર્યાવરણીય પ્રશ્નો ઉભા થયા છે. હવામાનમાં ફેરફરો સહિતના પ્રતિકુળ પરિબળોનું સર્જન થવા પાછળ વૃક્ષોની ઝડપથી ઘટી રહેલી સંખ્યા પણ મુખ્ય કારણોમાંનુ એક કારણ માનવામાં આવે છે. માનવીએ પોતાના સ્વાર્થ ખાતર આર્થિક, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે વૃક્ષોનુ આડેધડ કાઢેલું નિકંદન હવે કાળઝાળ ગરમી સ્વરૂપે તેને જ નડી રહ્યું છે. ત્યારે વૃક્ષો વાવવાનુ તો બાજુ પર રહ્યું પરંતુ વૃક્ષોનુ નિકંદન કાઢવાનો મામલો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના માધવકંપા ગામે પ્રકાશમાં આવ્યો છે. આ અંગે અરજદાર સોની મધુસુદન ડાહ્યાલાલે વન વિભાગના બાયડ તાલુકાના તેમજ જિલ્લાના અધિકારીઓને લેખીતમાં કરેલી રજુઆત મુજબ અરવલ્લીના બાયડના માધવકંપા ગામની સીમમાં સર્વે નંબર 17, 295, 296, 11, 19, 16, 297વાળી ખેતીની જમીનમાં 300થી 400 જેટલાં લીલાં લીમડા, બાવળના વૃક્ષો આવેલા હતા. પરંતુ થોડાક સમય પહેલાં કેટલાક શખ્સોએ જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી વન વિભાગની, મામલતદારની મંજુરી વિના લીલાં વૃક્ષો કાપી નાંખી પર્યાવરણને ભારે નુક્સાન પહોંચાડયું છે. આ અંગે તેમણે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માગણી કરી છે.
મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીને પત્ર લખી ધ્યાન દોર્યું
અરજદારે વૃક્ષછેદન સંદર્ભે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ગાંધીનગર વન વિભાગના ઉચ્ચ અધિકારી, અરવલ્લી કલેક્ટર, અરવલ્લી વન વિભાગ, અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી, બાયડ મામલતદાર, બાયડ તાલુકા વિકાસ અધિકારીને લેખીતમાં રજુઆત કરી છે.
બાયડ સર્કલ ઓફિસરને સ્થળ પર તપાસ માટે રવાના કર્યા છે : મામલતદાર
આ અંગે બાયડ મામલતદાર જાગૃતિબેન ચૌધરીનો ટેલીફોનીક સંપર્ક કરાતાં તેમણે જણાવ્યુ કે બાયડ સર્કલ ઓફિસરને તપાસ સોંપી છે. તેઓને સ્થળ પર રવાના કર્યા છે. રિપોર્ટ આપવાનું કહ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય જણાય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.