- RTO ના નિયમ વિરુદ્ધ હેરાફેરી છતાં પોલીસનું સૂચક મૌન
- મોટીરાત સુધી બેરોકટોક મોટા અવાજે ફેલાવાતું ધ્વનિ પ્રદૂષણ
- આરટીઓના નિયમ વિરુદ્ધ ટેમ્પોમાં ડીજે સિસ્ટમની હેરાફેરી કરાઇ રહી છે
દેવગઢબારીયા – પીપલોદ સહીત વગર પરવાનગીએ મોટા અવાજમાં ડીજે વગાડી ધૂમ મચાવતા ડીજે સાઉન્ડ સંચાલકો સામે કાર્યવાહી જરૂરી થઇ ગઇ છે. ડીજે સંચાલકો દ્વારા આરટીઓના નિયમ વિરુદ્ધ ટેમ્પોમાં ડીજે સિસ્ટમની હેરાફેરી કરાઇ રહી છે. જેઓ સામે પોલીસ કોઇ કાર્યવાહી નથી કરતી. કોઇપણ પરવાનગી વગર મોટા અવાજમાં થતું ધ્વનિ પ્રદુષણ રોકવામાં પણ પોલીસ નિષ્ફળ નિવડી હોય તેમ લાગી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, દેવગઢબારીયા તાલુકા સહીત અન્ય તાલુકાઓ માં હાલમાં લગ્નસરા ની મૌસમ જામી છે ત્યારે લગ્ન માં વરઘોડો અને જાન માં દેશી ઢોલ તો ઠીક પણ ડીજે સિસ્ટમ વગર ગામડા માં લગ્નપ્રસંગ ભાગ્યેજ જોવા મળતા હોય છે. એક તરફ્ લોકસભા ચૂંટણી નું જાહેરનામું પ્રસિદ્વ થઈ ચૂક્યું છે છતાંય પણ ડીજે સિસ્ટમ વાળા તેનો ભંગ કરી રહ્યા છે. અત્યારે નવરાત્રી નો સમય હોય લગ્નો મોકૂફ્ છે અને ક્યાંક લગ્નો ચાલુ પણ છે.
દેવગઢબારીયા – પીપલોદ બજાર સહીત ગામડા માં પણ હવે ડીજે સિસ્ટમ સાઉન્ડ આવી ગયા છે. કેટલાય ડીજે સંચાલકો પાસે ડીજે ના ટેમ્પો ના આરસી બુક, વિમો, પીયુસી સર્ટિફ્કિેટ અને ફ્ટિનેસ જેવા જરૂરી કાગળો તો ઠીક પરંતુ જેતે ડ્રાંઇવર નું લાઇસન્સ પણ હોતું નથી.બીજી તરફ્ મોટાભાગ ના ટેમ્પો નું પાછળ થી ડાલા નું કટીંગ કરી લોખંડ ની એંગલો લગાવી વધારે લંબાઈ કરી તેના ઉપર મોટા મોટા સ્પીકર ગોઠવેલા હોય છે.આવા ટેમ્પો રોડ ઉપર પસાર થતી વખતે અકસ્માત થવાની શક્યતા રહેલી છે કારણકે સામેથી આવતા વાહન ચાલક ને ટેમ્પો ની વધારે લંબાઈ નો કોઈ ખ્યાલ રહેતો નથી. અને અકસ્માત માં કોઈ ને જીવ ગુમાવવા નો પણ વારો આવતો હોય છે. બે વર્ષ અગાઉ આવો એક બનાવ સાગટાળા પોલીસ મથક માં નોંધાયેલ છે.
જયારે અમુક ડીજે સંચાલકો પોતાના ટ્રેક્ટર માં ડીજે સિસ્ટમ ગોઠવી હોય છે. ટ્રેક્ટર કૃષિ વિષયક ઉપયોગી રજીસ્ટ્રેશન કરેલું હોય છે જેમાં કોમર્શિયલ રજીસ્ટ્રેશન હોતું નથી.છતાંય પણ કોઇપણ બેરોકટોક વગર ડીજે માં કમાણી કરવા નીકળી પડતા હોય છે.દેવગઢબારીયા તાલુકા માં કેટલાય સમાજ માં ડીજેબંધ કરવા માટે કેટલીક મિટિંગ પણ થઈ અને ડીજે સિસ્ટમ વાળાઓ ઓછા અવાજ માં વગાડે તેમજ બીભત્સ ગીતો નહીં વગાડે તે માટે સરકાર માં આવેદનપત્ર પણ આપવામાં આવ્યા પરંતુ તેનું કોઈ નકકર પરિણામ હજુ મળ્યું નથી. આમ દેવગઢબારીયા તાલુકામાં વધી રહેલા ડીજે સાઉન્ડના ટેમ્પો અને ટ્રેક્ટરના જરૂરી કાગળો પોલીસ તેમજ આરટીઓ વિભાગ ચકાસણી કરી અકસ્માત નિવારવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.