- બોડાણા સર્કલ, ગણેશ ટોકીઝ, યમુનાકુંજ સોસાયટીમાં પાણી જ પાણી
- શેઢી નદીમાં પૂર આવતા ડાકોર પાણી પાણી થયું
- વ્હોરવાડ અને ગોપાલપુરાથી જવાના રસ્તા બંધ થયા
સમગ્ર રાજ્યને મેઘરાજા ઘમરોળ્યુ છે, ત્યારે ડાકોરમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. ડાકોરના બોડાણા સર્કલ વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને આ સાથે ગણેશ ટોકીઝ, યમુનાકુંજ સોસાયટી, રામજી મંદિર, નવીનગરી, નાની ભાગોળમાં પાણી ભરાયા છે.
કાસ અને ગટરની સફાઈ ન કરવામાં આવતા ડાકોર થયું જળ મગ્ન
તમને જણાવી દઈએ કે ગોમતી તળાવ ઓવરફલો થતાં અને શેઢી નદીમાં પુર આવતા ડાકોરમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ છે અને સમગ્ર ડાકોરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગણેશ ટોકીઝ બોડાણા સર્કલ અને વ્હોરવાડ અને ગોપાલપુરાથી જવાના રસ્તા બંધ થયા છે. ડાકોરના અનેક વિસ્તારોમાં પુરના પાણી ભરાયા છે, ત્યારે વરસાદ પુનઃ શરૂ થતાં ડાકોરવાસીઓની ચિંતામાં વધારો થયો છે અને કાસ અને ગટરની સફાઈ ન કરવામાં આવતા ડાકોર જળ મગ્ન થયું છે.
શેઢી નદીના પાણી રોડ ઉપર ફરી વળ્યા
યાત્રાધામ ડાકોરથી આણંદ, નડિયાદ, બરોડાને જોડતો મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. ડાકોર નજીક આવેલા રાધે ગોવિંદ ઉત્સવ મંડપ પાસેથી પસાર થતો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે હાલમાં વડોદરા, આણંદ, નડિયાદથી ડાકોર સંપર્ક વિહોણું બન્યું છે. મુખ્ય માર્ગ ઉપર કમર સુધીના પાણી ફરી વળ્યા છે અને જીવના જોખમે લોકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે.
નડિયાદમાં 24 કલાકમાં 18 ઈંચ જેટલો વરસાદ
તમને જણાવી દઈએ કે નડિયાદમાં બીજા દિવસે પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. મુખ્ય માર્ગ સંતરામ રોડ ઉપર પાણી ભરાયા છે.સિવિલ હોસ્પિટલ, નાના કુંભનાથ રોડ, કોલેજ રોડ, ઈન્દિરા ગાંધી માર્ગ પર પાણી ભરાયા છે. ડુમરાલ બજારમાં પણ વરસાદી પાણઈ ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં નડિયાદમાં 18 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.