- સંચાલક ખેતીમાં વપરાતા રસાયણીક ખાતરનો ઔદ્યોગીક વપરાશ કરાતા હતા
- ખેતી અધિકારીની તપાસમાં મેળવેલ સેમ્પલના પરિક્ષણમાં ભોપાળુ ખુલી ગયું
- ખેતી અધિકારી સહિતની ટીમે દરોડો પાડતા કંપનીમાંથી ખાતરની 201 બોરી મળી આવી હતી
અંજાર તાલુકાના વરસાણા સીમમાં આવેલ એસઆરજી કંપનીમાં તાજેતરમાં ખેતી અધિકારી સહિતની ટીમે દરોડો પાડતા કંપનીમાંથી ખાતરની 201 બોરી મળી આવી હતી. જે બોરીમાંથી સેમ્પલ મેળવી પરિક્ષણમાં મોકલી દેવામા આવ્યું હતુ. આ દરમિયાન કંપનીમાંથી મળી આવેલ રસાયણ ખેતીમાં ઉપયોગમાં લેવાતો યુરિયો ખાતર હોવાનુ સપાટી પર આવતા કંપની સંચાલકોનુ ભોપાળુ ખુલ્લુ પડી ગયું છે.
અંજાર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે આ બનાવ પોલીસ ચોપડે આવ્યો હતો. તાલુકાના વરસાણા સીમમાં નેશનલ હાઈવે નંબર 8 પાસે આવેલ એસઆરજી (સુમીત્રા રાજક્રિપાલ ગૃપ) પ્લાય બોર્ડ, રાજક્રિપાલ એક્સીમ પ્રા.લી.કંપનીમાં ગઈ તા.રર/પ ના ખેતી અધિકારી અંજાર સી.જે.માળી સહિતની ૪ સભ્યોની ટીમે છાપો માર્યો હતો. કંપનીમાં તપાસ અંતર્ગત ગોડાઉનમાંથી યુરિયા ખાતર જેવી લાગતી 160 બેગ તથા ઉપરના ગોડાઉનમાંથી 38 બેગ મળી 201 ગુણી મળી આવી હતી. જેથી ખેતી અધિકારીએ બોરીમાંથી સેમ્પલ મેળવી ફરિદાબાદ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામા આવ્યા હતા.
પરિક્ષણમાં એસઆરજી કંપનીમાંથી મળી આવેલ બોરીમાં યુરિયા ખાતર રસાયણીક ખાતર હોવાનો ધડાકો થયો હતો. યુરિયા ખાતર સબસીડી વાળુ રસાયણીક ખાતર છે. તેનો માત્ર ખેતીકામમાં ઉપયોગ કરી સકાય છે. તેમ છતાં એસઆરજી કંપનીના સંચાલકોએ તેને ઔદ્યોગીક વપરાશમાં ઉપયોગમાં લેતા હતા. ખાતર અંગે કંપની સંચાલકો સાથે પત્ર વ્યવહારમાં આ જથ્થો જીઆઈડીસી કંસારી, ખંભાતથી મેળવેલ હોવાનુ સપાટી પર આવ્યું હતુ. જેથી ખેતીમાં ઉપયોગમાં લેવાતા ખાતરનો જથ્થો એસઆરજી કંપનીમાં કેવી રીતે પહોચ્યો? અગાઉ પણ કંપનીમાં ખાતરનો ઉપયોગ થતો હતો? કે કેમ સહિતના સવાલોના જવાબ મેળવવા ખેતી અધિકારીએ રાજક્રિપાલ એક્સીમ પ્રા.લી કંપનીના સંચાલકો સામે ફોજદારી નોધાવી છે. જે અંગે પોલીસે આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.