ડભોઇ પંથકમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડી શરૂ થતા હાલ ન્યુનત્તમ પારો 17 ડિગ્રી અને મહત્તમ પારો 29 ડિગ્રીનો જળવાઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા શિયાળુ પાક કરવાની તૈયારી શરૂ કરી દેવાઇ છે.
ત્યારે હજુ પણ હવામાન ખાતાની આગાહીઓ બદલાતી રહેતી હોવાથી કયા પાકની રોપણી કરવી અને કયા પાકની ન કરવી તેવી દુવિધા ખેડૂતોમાં જોવા મળે છે.
હાલ મોસમે કરવટ બદલી હોવાથી ઋતુચક્રના ચાર ચાર માસનો નિયમ ભંગ થતો જોવા મળે છે. જેની સીધી અસર ખેતી પર પણ જોવા મળી રહી છે. પંથકમાં ચોમાસુ પૂર્ણ થયા બાદ પણ કમોસમી વરસાદથી ચારવાર ડાંગર અને કપાસને નુકસાન થયું છે. ત્યારે શિયાળાની શરૂઆત થતાં ડભોઇ પંથકમાં ઘઉં, શાકભાજી, કપાસની ખેતીનું મહત્વ છે. ત્યારે જો ઠંડી સામ્રાજ્ય સતત જાળવી રાખે તો ઘઉંનો પાક સારો ઉતરે તેવી આશા લઈને બેઠેલા ખેડૂતો હજુ પણ હવામાન કેવું રહે છે. તેની રાહ જોઈને બેઠા છે. જો કે, હાલ છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો ન્યુનત્તમ 17 ડિગ્રી અને મહત્તમ 29 ડિગ્રી જઈને અટકે છે. ત્યારે હજુ પણ ઠંડી પોતાનું સામ્રાજ્ય જમાવે તો ઘઉંના પાકને ઘણો ફાયદો થાય તેમ છે. એક બાજુ હવામાન ખાતા દ્વારા ચાલુ વર્ષે કડકડતી ઠંડી પડશે તેવી આગાહી કરાઇ છે. ત્યારે બીજી બાજુ પણ અરબી સમુદ્ર અને અખાતની ખાડીમાં હજુ પણ લૉ-પ્રેસરને લઇ વાતાવરણમાં પલટો આવશે. તેવી આગાહી પણ થઈ છે. જેથી શિયાળાની ઠંડી મોસમમાં કયો પાક કરવો તેની દુવિધા હાલ ખેડૂતોને સતાવે છે. જોકે હાલ હજુ ડાંગર, કપાસ અને તુવેર જેવા પાકોમાંથી ખેડૂતે બહાર આવી ખેતરો સાફ્ કરવાની શરૂઆત કરી છે. બસ રાહ જોવાય છે કે, ઠંડી પોતાનું સામ્રાજ્ય કેટલો સમય માટે જમાવશે ? કે પછી હવામાન ખાતાની આગાહી મુજબ હવામાન બદલાતું રહેશે તે પરિસ્થિતિ હાલ ખેડૂતોને અનુરૂપ પાકની રોપણી કરવામાં બાધારૂપ બની રહી છે.