કચ્છ: જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ વિદેશી પક્ષીઓ કચ્છના મહેમાન બનતા હોય છે. દેશ-વિદેશથી પક્ષીઓ કચ્છમાં શિયાળો ગાળવા માટે ત્રણ મહિના માટે કચ્છમાં આવતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાતમાં સૌથી વધુ પક્ષીઓ કચ્છમાં જોવા મળે છે. ઠંડીની સિઝનમાં કચ્છના નાના રણમાં હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ રણમાં આવતા હોય છે. કચ્છ જિલ્લો રણ, ડુંગર અને દરિયો ધરાવતો જિલ્લો છે. જ્યાં તમને વિવિધ જાતિના યાયાવર પક્ષીઓ જોવા મળે છે.
વિદેશી પક્ષીઓનો દુર્લભ નજારો
કચ્છ જિલ્લાનું માંડવી એ સમુદ્રની નજીક આવેલું શહેર છે. દર વર્ષે વિદેશી પક્ષીઓ અહીં આવતા હોય છે. બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ મુજબ, કચ્છમાં 161 પ્રજાતિઓના 4.50 લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યાં છે. આ વર્ષે પણ કચ્છની ગુલાબી ઠંડીમાં યાયાવર, ફ્લેમિંગો, કુંજ, શિગલ સહિત વિદેશી પક્ષીઓ કચ્છના મહેમાન બન્યા છે. માંડવી પોર્ટ વિસ્તારમાં શિગલ પક્ષીના દુર્લભ નજારો જોવા મળ્યો હતો.
પક્ષીઓ માટે ખોરાકની વ્યવસ્થા
માંડવી શહેરના રહીશો તેમજ વિવિધ સંસ્થાના સેવાકીય લોકો માંડવીના દરિયા કિનારે, માંડવી પોર્ટ વિસ્તાર અને તોપણસર તળાવની કિનારીએ વિદેશથી આવતા પક્ષીઓ માટે દાણા, બિસ્કીટ, ગાઠીયા, બ્રેડના ટુકડા સહિત ખોરાક ખવડાવે છે. મોટી સંખ્યામાં માંડવીના શહેરીજનો તેમજ વિવિધ ફોટોગ્રાફર અહીં પક્ષીઓની તસવીરો પોતાના કેમેરામાં કેદ કરવા માટે આવતા હોય છે.
માંડવી શહેરના રહીશ દર્શનભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, અહીં દર વર્ષે વિદેશી પક્ષીઓ કચ્છમાં આવતા હોય છે અને માંડવીના રહીશો પક્ષીઓને ખોરાક પૂરો પાડતા હોય છે. જ્યારે તેમણે વધુમાં જણાવ્યું કે, માર્ચ મહિના સુધી પક્ષીઓ રોકાય છે. કચ્છ જિલ્લામાં પક્ષીઓની 161 જેટલી પ્રજાતિ જોવા મળે છે. આ ઉપરાંત કચ્છમાં વિદેશથી પણ યાયાવર પક્ષીઓ આવતા હોય છે. ત્યારે દેશ વિદેશથી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કચ્છની મુલાકાત લેવા માટે આવતા હોય છે અને કેમેરામાં વિવિધ પક્ષીઓની પ્રવૃત્તિઓ પોતાના કેમેરામાં કેદ કરતા હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર