ભરૂચ: હાંસોટના શેરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જતી કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. આજે વહેલી સવારે આ ગોઝારો અકસ્માત ભરૂચના હાંસોટ શેરા ગામ પાસે ઘટ્યો હતો. આ અંગે હાલ હાંસોટ પોલીસે તપાસ શરૂ કરી છે.
ભાવનગરથી સુરત જઈ રહ્યો હતો પરિવાર
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભરૂચના હાંસોટના શેરા ગામ પાસે પૂરપાટ ઝડપે આવતી કાર ઝાડ સાથે અથડાતા ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. આ ત્રણ મૃતકો કારમાં સવાર હતા. મળતી માહિતી પ્રમાણે આ પરિવાર ભાવનગરથી સુરત જઇ રહ્યો હતો તે દરમિયાન આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
હાલ હાંસોટ પોલીસે આ તમામ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કામગીરી હાથ ધરી છે. આ સાથે તેમના પરિવારજનોનો સંપર્ક પણ કરી રહ્યા છે.
આ ગોઝારા અકસ્માત સર્જનાર કારનો નંબર GJ04EE5587 છે.
સુરતમાંથી બેફામ કાર ચલાવતો ઝડપાયો
સુરતના ઉધના વિસ્તારમાં પોલીસે બેફામ કારચાલકને ફિલ્મી ઢબે પીછો કરી પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. પેટ્રોલિંગમાં રહેલી પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ભગાવી હતી. પોલીસે પીછો કરી ઉધના સાઉથ ઝોન રોડ પરથી આરોપીને ઝડપી પાડયો છે. સ્કોર્પિયો કારમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલ અને ઉત્તરપ્રદેશના લાયસન્સવાલી પિસ્તોલ પણ મળી આવી છે. કારમાંથી નશાની હાલતમાં ચાલક રવી રાજેન્દ્રપ્રસાદ શર્મા દારૂના નશામાં મળી આવ્યો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ આદરી છે. આરોપી પાસેથી સ્કોર્પિયો કાર, પિસ્તોલ સહિત દારૂની બોટલ જપ્ત કરાઈ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર