દાહોદ: તોરણી પ્રાથમિક શાળામાં બાળકીનાં મોત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. 6 વર્ષની વિદ્યાર્થિનીની શાળાના આચાર્યએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં શાળાનો આચાર્ય જ હત્યારો હોવાનું ખુલ્યું છે. હત્યારા આચાર્ય ગોવિન્દ નટને પોલીસે દબોચીને વધુ તપાસ આદરી છે. નોંધનીય છે કે, 19 સપ્ટેમ્બરે 6 વર્ષની બાળકીની હત્યા થઈ હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર, બાળકીની માતાએ સવારે પીપળીયા ગામેથી બાળકીને આચાર્યની ગાડીમાં બેસાડી હતી. બાળકીને લઈને થોડી આગળ જઈને આચાર્ય દ્વારા દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો હતો. જ્યારે બાળકીએ બૂમાબૂમ કરતાં શૈતાન આચાર્યએ તેનું મોઢું દબાવીને હત્યા કરી નાંખી હતી. પોલીસ દ્વારા આચાર્ય અને શિક્ષકોની તેમજ વિધાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં કોઇપણ વ્યક્તિએ બાળકીને શાળામાં આવતા જોઈ ન હતી.
જે બાદ પોલીસ દ્વારા આચાર્યની આકરી પૂછપરછ કરતાં તેમજ મોબાઇલ ટાઈમ લાઈનની મદદથી હત્યાનો ભેદ ઉકેલાયો છે. આટલું જ નહીં, શૈતાન આચાર્ય દ્વારા બાળકીને સાંજે શાળા છૂટે ત્યાં સુધી ગાડીમાં મૂકી રાખી હતી અને શાળા છૂટયા બાદ બાળકીને પાછળના ભાગે મૂકી ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસ દ્વારા હત્યા તેમજ દુષ્કર્મ કરવાના પ્રયાસ કરવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:
અમદાવાદ: વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ પકડાઈ, 5 દારૂની બોટલ સાથે 9 ઝડપાયા
નોંધનીય છે કે, 19મી સપ્ટેમ્બરે મોડી સાંજ સુધી બાળકી ઘર નહીં આવતા બાળકીના દાદાને ચિંતા થઈ હતી અને તેમણે બાળકીના પિતાને શોધખોળ માટે વાત કરી હતી. ત્યારે બાળકીના પિતા અને બાળકીના 2 કાકા ત્યાં શોધખોળ માટે શાળા તરફ નીકળ્યા હતા. બાળકીની આસપાસ તપાસ કર્યા બાદ શાળાની અંદર તપાસ કરવાનું નિર્ણય કરાયો હતો. ત્યારે બાળકીના પિતા અને બને કાકા શાળાનો ગેટ બંધ હોવાથી શાળાનો કોર્ટ કૂદી અને શાળાના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા હતા.
તેમણે શાળાના ક્લાસરૂમ અને બાથરૂમ તરફ બાળકીના નામની બૂમાબૂમ સાથે તપાસ શરૂ કરી હતી અને બાળકીના પિતાએ શાળાના પાછળ અને અંદરના ભાગે શોધખોળ શરૂ કરી હતી. ત્યારે અચાનક બાળકીના પિતાની નજર બાળકી પર પડી હતી. ત્યાર બાદ બાળકીના પિતા દ્વારા તાત્કાલિક સિંગવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાંથી બાળકીને એમ્બ્યુલન્સ મારફતે લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઇ જવામાં આવી હતી. ત્યાં ફરજ પર હાજર ડૉક્ટર દ્વારા બાળકીને મૃત જાહેર કરાઇ હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર