બનાસકાંઠા: અંતરિયાળ જિલ્લો ગણાતા બનાસકાંઠા જિલ્લામાં અનેક પ્રાચીન, પૌરાણિક અને ચમત્કારિક મંદિરો આવેલા છે. આ મંદિરો સાથે અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે. તેવું જ એક પ્રાચીન હિંગળાજ માતાનું મંદિર લાખણી ગામના વાસણા રોડ વિસ્તારમાં આવેલું છે. આ મંદિર લગભગ 500થી 600 વર્ષ જૂનું છે. સમગ્ર જિલ્લામાંથી તેમજ ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં પોતાની મનોકામના લઈને આવે છે. ત્યારે આ મંદિરની સ્થાપના ક્યારે થઈ અને શું છે ઇતિહાસ તે જાણીએ.
બનાસકાંઠાના લાખણી વિસ્તારમાં પાકિસ્તાનના બલુચિસ્તાનથી હિંગળાજ માતાની મૂર્તિ લાવીને સ્થાપના કરાઈ હતી. આ હિંગળાજ માતાના મંદિર સાથે અનેક દંતકથા પણ જોડાયેલી છે. આ મંદિરમાં પૂજા કરનાર પુરોહિત હરેશભાઈએ જણાવ્યું હતું કે, “લાખણીના વાસણા રોડ પર આવેલા ધોરા ઉપર અંદાજે 550થી 600 વર્ષ પૌરાણિક હિંગળાજ માતાનું મંદિર આવેલું છે.”
આ મંદિર આશરે 600 વર્ષ પહેલા લાખણી ગામની આજુબાજુનો વિસ્તાર લાખસિંહ દરબારને રજવાડામાં મળ્યો હતો. ત્યારે તેમની સાથે એક સંત પણ પાટણથી લાખણીમાં આવ્યા હતા. તે સંત જે હિંગળાજ માતાના દર્શન કરવા પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ગયા હતા. ત્યાંથી હિંગળાજ માતાજીની એક મૂર્તિ પીઠ ઉપર બાંધી ચાલતા ચાલતા લાખણી આવી એક માટીના ધોરા ઉપર પ્રતિષ્ઠા કરી મંદિર બનાવ્યું હતું.
આ હિંગળાજ માતાનું મંદિર ચમત્કારિક મંદિર છે. એક લોકવાયકા મુજબ એક વખત ગામમાં આવેલા લૂંટારુઓ ગામમાં લૂંટ ચલાવવા આવ્યા હતા તે દરમિયાન તેઓ આંધળા થઈ ગયા હતા. તમામ લૂંટારુઓને કંઈ ન દેખાતા લૂંટનો ઈરાદો બદલી ગામની બહાર જવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા. જેમ-જેમ લૂંટારુઓ ગામથી દૂર થતા ગયા તેમ તેમ તેમને ફરી દેખાવા લાગ્યું હતું.
દર્શન કરવાથી તમામ ભક્તોની મનોકામના મા હિંગળાજ માતાજી પૂરી કરે છે. આ મંદિરે વૈશાખ વદ તેરસના દિવસે માતાજીની તિથિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર લાખણી ગામના તમામ લોકો આ મંદિરે દર્શને આવી પ્રસાદ ગ્રહણ કરે છે.
આ ગામના લોકો દ્વારા 11 વર્ષ પહેલા હિંગળાજ માતાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. હાલ આ મંદિરમાં નવી અને જૂની બંને મૂર્તિઓ બિરાજમાન છે. અહીં દરરોજ ગ્રામજનો દ્વારા પૂજા-આરતી કરવામાં આવે છે. અહીં દર્શન કરવા આવતા તમામ ભક્તોની મનોકામના મા પૂરી કરે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર