ગાંધીનગર: રાજ્યના ધારાસભ્યો માટે ગાંધીનગરમાં બનેલા લક્ઝુરિયસ 3BHK ફ્લેટના પ્રોજેક્ટનો ખર્ચ વધીને 310 કરોડ રૂપિયા થયો છે. 247 કરોડના મૂળ બજેટમાંથી બિલ્ડિંગની કિંમત માટે 203 કરોડ અને ઇન્ટિરિયર માટે 80 કરોડ ફાળવ્યા હતા. હવે બિલ્ડિંગ એક્સેસરી માટે વધુ 30 કરોડ રૂપિયાની માંગણી સરકાર સમક્ષ મકાન અને માર્ગ વિભાગે કરી છે.
લક્ઝુરિયસ સુવિધાઓથી ભરપૂર ફ્લેટ:
આ ફ્લેટમાં ફ્રન્ટ ઓફિસ, મુલાકાતીઓ માટે વેઇટિંગ એરિયા, સર્વન્ટ ક્વાર્ટર્સ, અને તદ્દન આધુનિક લાઇટિંગ અને ફર્નિચર થશે. આ ઉપરાંત, 12 ટાવરના આ કોમ્પ્લેક્ષમાં 9 માળના ટાવર હશે, દરેક માળે માત્ર 2 ફ્લેટ સાથે. કોમ્પ્લેક્ષમાં સ્વિમિંગ પૂલ, ઓડિટોરિયમ, એમ્ફીથિયેટર, ક્લબહાઉસ, પ્લે એરિયા, કેન્ટીન, અને લીલાછમ બગીચો જેવી વિશાળ સુવિધાઓ પણ મળશે.
મોંઘા ફ્લેટ અંગે ધારાસભ્યની ટકોર:
દરેક ફ્લેટની અંદાજીત કિંમત 1.45 કરોડ રૂપિયા થાય છે, જે ગાંધીનગરમાં બંગલો ખરીદવા જેટલી છે. ભાજપના એક ધારાસભ્યએ આ ખર્ચ અંગે ટકોર કરતા જણાવ્યું કે આ મોંઘા ફ્લેટની કિંમત યોગ્ય રીતે નક્કી થવી જોઈએ.
2022માં પ્રોજેક્ટને મંજૂરી મળી હતી
આ નવા ફ્લેટ સેક્ટર 17માં 20,000 ચો.મી. જમીન પર બને છે. જૂના ધારાસભ્યોના ક્વાર્ટર્સ 25 વર્ષ જૂના અને જર્જરિત હોવાથી 2022ની વિધાનસભામાં આ નવા પ્રોજેક્ટ માટે મંજૂરી મળી હતી.
30 કરોડના વધારા ખર્ચની મંજૂરી માટે ચર્ચા
12 ધારાસભ્યોની બનેલી એમએલએ રેસિડેન્શિયલ કમિટીએ 30 કરોડ વધારાની દરખાસ્ત માટે બેઠક યોજી હતી. જો આ દરખાસ્ત મંજૂર થાય તો 310 કરોડના ખર્ચ સાથે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે.
કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં
રાજ્યના વિધાનસભા કક્ષાના આ ફ્લેટ વિશે જેની ગણતરી લક્ઝુરિયસ પ્રોજેક્ટ તરીકે થાય છે, તેની કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં છે. સાથે જ આ ખર્ચ વિશેની ચર્ચાઓના પડઘા રાજ્ય સરકારના ખર્ચ કાપા સંબંધિત નીતિ પર થવાની સંભાવના છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર